(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
સુરત શહેરમાં તાજેતરમાં અતિ ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થતાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને નાના મોટા માર્ગ અકસ્માતો ની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
ત્યારે ભારે વરસાદને પગલે માર્કેટ વિસ્તાર સચિન-ઉધના રોડ,કડોદરા – સારોલી માર્ગ, અમરોલી, જહાંગીરપુરા, આઉટર રીંગરોડ સહિતના અનેક માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. જેની ગંભીરતા ને સમજીને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીરે તાત્કાલિક એક્શન લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર તથા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી રસ્તાઓ પર પડેલા ખાડા તાત્કાલિક પુરવાની કામગીરી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. આમ ખાડાઓના કારણે તથા માર્ગ અકસ્માતો અટકાવવા માટે ખાડાઓની ઓળખ કરી તાત્કાલિક પુરાણ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. અકસ્માતમાં બનતી મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. અને ટ્રાફિક પોલીસને શહેરના તમામ ખાડાઓના ફોટોગ્રાફ્સ એકત્રિત કરી મહાનગરપાલિકાના સંબંધિત ઝોન અધિકારીઓને મોકલી ઝડપી સમારકામ (ખાડા પુરવા) સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે આ મિટિંગમાં પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.





