
કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે
અમદાવાદવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતના હિતમાં અને વિકાસને વેગ આપતા ત્રણ મોટા ર્નિણયો લીધા છે. આ ર્નિણયોથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની કાયાપલટ થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો ર્નિણય અમદાવાદ મેટ્રોના વિસ્તારને લઈને લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત કરવા માટે અમદાવાદ મેટ્રો ફેઝ-૨ (Metro Phase-2) ને લઈને મોટો ર્નિણય લેવાયો છે. સરકાર દ્વારા આ ફેઝના વિસ્તરણને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ ૭૭.૬૩ કિલોમીટર પર પહોંચી જશે.
આ ફેઝ અંતર્ગત હવે કોટેશ્વરથી લઈને સીધા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી નવો મેટ્રો કોરિડોર બનાવવામાં આવશે. આ રૂટ શરૂ થવાથી એરપોર્ટ આવતા-જતા મુસાફરોને ટ્રાફિકમાંથી મોટી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, મેટ્રોના વિસ્તરણનો આ પ્રોજેક્ટ આગામી ચાર વર્ષની અંદર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન આધુનિક ટેકનોલોજી સાથે ટ્રેક અને સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જેથી નાગરિકોને વહેલી તકે આ સુવિધાનો લાભ મળી શકે.
આજે લેવાયેલા ત્રણ ર્નિણયો પૈકી અન્ય એક મહત્વનો ર્નિણય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને છે. અમદાવાદમાં વિશ્વકક્ષાનું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવામાં આવી રહ્યું છે. આ એન્ક્લેવ ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર ચમકશે અને ભારતીય રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળશે. એરપોર્ટ કનેક્ટિવિટી વધવાથી બિઝનેસમેન, પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને મોટી રાહત થશે. આગામી ૪ વર્ષમાં ચાલનારા આ પ્રોજેક્ટ્સને કારણે હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. કોમનવેલ્થ ગેમ્સ માટે બની રહેલા સ્પોર્ટ્સ એન્ક્લેવથી ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવશે.





