
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી ઇસુદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે આ યાત્રાને વિશાળ જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય આ તમામ ક્ષેત્રોમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ એક ઉપાય છે. પરિવર્તન લાવવાથી જ ગુજરાતના ગામડાં, ખેતી, ખેડૂત અને ખેતી મજૂરોનુ ભલુ થશે,એવો સંદેશ લઈને ઇસુદાન ગઢવી અને પ્રવીણભાઇ રામ જે યાત્રા લઈને નીકળ્યા છે, એ યાત્રાનું સમાપન આવતીકાલે એટલે કે ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં થવાનું છે. ગાંધીનગર ખાતે બપોરે ત્રણ વાગ્યે અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહીને ગુજરાતના ગામડાં, ખેતી, ખેડૂત અને ખેત મજૂરો વિશે માર્ગદર્શન આપશે અને આમ આદમી પાર્ટીના સંઘર્ષને રજૂ કરશે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે.
આ ઉપરાંત ૯ માર્ચના રોજ સુરતના મોટા વરાછા પાસે ગોથાણ ગામમાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં બપોરે ત્રણ વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં ક્ષેત્રીય બુથ કાર્યકર સંમેલન યોજાવાનું છે. આમ આદમી પાર્ટીએ ડોર-ટુ-ડોર પ્રચાર, નાની નાની જનસભાઓ, મોહલ્લા સભાઓ, મિટિંગો અને સોશિયલ મીડિયા કેમ્પેઇન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા પાર્ટીએ સંગઠનની વિશાળ તાકાત ઊભી કરી છે. નેટવર્કના માધ્યમથી બુથ લેવલના કાર્યકરો પાર્ટી નિર્માણ કરી રહ્યા છે. ત્યારે આ સંમેલનમાં અંદાજે વીસથી પચ્ચીસ હજાર જેટલા બુથ કાર્યકરો હાજર રહેશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવાની વિનંતી છે.




