
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ધડકન વધી રહી છે. કારણ કેટલાક વોર્ડમાં ભાજપને તો કેટલાક વોર્ડમાં કોઈ પણ પક્ષને મહોલ્લામાં પ્રવેશવાની જ મનાઈ કરવામાં આવતા ખાસ કરી ભાજપને ચિંતામાં પાડી દીધો છે. એક બાજુ ભાજપ વિકાસની પોકળ વાતો કરે છે તો બીજી બાજુ મતદારો ગટર જેવા ગંદા પાણીને તપેલીમાં બતાવીને પૂછે છે શું અમારે આ પાણી પીવાનું છે? કેટલાય દિવસોથી રોડ નથી બન્યા, પીવાનું પાણી શુદ્ધ નથી આવતું,ગટર ઉભરાઇને ગંદકી ફેલાય છે. છતાં તમે આજ સુધી ક્યાં હતા?
આવા તો અનેક સવાલો ત્રણે પાર્ટીના ઉમેદવારોને કરાતા ઉમેદવારોને પણ પરસેવા વળી રહ્યો છે. અને એને કારણે આ ચૂંટણીમાં શામ-દામ-દંડ ભેદથી ભાજપ ચૂંટણીમાં મતો અંકે કરવા એડી ચોટીનું જોર લગાવીને વિપક્ષોના ફોર્મ કેન્સલ કરાવી બીનહરીફ ની હરીફાઈમાં ઉતરીને લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ કરી રહ્યો છે. અને પ્રજાના મતાધિકાર ને જ જડમૂળથી નષ્ટ કરવાનું પાપ કરી સત્તા હાંસલ કરવામાં ગળાડૂબ છે ત્યારે ત્રણે પાર્ટીના ઉમેદવારો એકલા અટુલા પડી ગયા હોય એમ પોતપોતાની રીતે પ્રચાર કરી નશીબ અજમાવી રહ્યા છે ત્યારે જોવાનું એ છે કે પ્રજા કોને સુરત મહાનગરપાલિકાનું સુકાન સોંપે છે એ જ જોવું રહ્યું.
અત્યાર સુધી ભાજપના વિસ્તારમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પ્રવેશ બંધી હતી. આવા વિસ્તારોમાં ભાજપના આગેવાનો અને મતદારો એટલા પ્રભાવિત હતા કે ભાજપ સિવાય કોઈ પાર્ટીના ઉમેદવારને ઉભા રાખતા ન હતા. કોટ વિસ્તાર તો ભાજપનો ગઢ ગણાતો. પરંતુ આ ગઢમા પણ ગાબડા પડવા લાગ્યા છે. અને આમ આદમી અને કોંગ્રેસના ઉમેદવારોને આ વિસ્તારોમાં સમર્થન મળી રહેલ છે. મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોથી લોકો ત્રાસી ગયા છે. ભાજપ દ્વારા દર વર્ષે વેરામાં વધારો કરવાથી વોટોમાં ગાબડું પડવાની પૂરેપૂરી શંકા છે. કેટલાક વિસ્તારોમાં અને ભાજપ સિવાય અન્ય પાર્ટીના ઉમેદવારોને પ્રવેશવા દેવા નહીં તેમ કહેવામાં આવે છે. પરંતુ પ્રજા જ હવે ઉમેદવારોનો સંપર્ક કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાય એ જોવું રહ્યું.





