
વર્તમાન પરિસ્થિતિને જાેતાં લેવાયેલો ર્નિણય.નવા પીએનજી જાેડાણો માટે તાકીદે ૮૨૦ જગ્યાએ રોડ ખોદવાની મંજૂરી અપાઇ.ગેસ કંપનીને નવા જાેડાણો આપવા માટે રોડ ખોદવાની જરૂર પડતી હોય છે અને તેના માટે દરેક ઝોનમાં ઇજનેર ખાતામાં અરજી કરવી પડે છે.શહેરમાં એક તરફ રાંધણગેસ (એલપીજી)નો અને કોમર્શિયલ એકમોમાં કોમર્શિયલ એલપીજી ગેસનો કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે મ્યુનિ.એ મહત્વનો ર્નિણય લઇને રાંધણગેસની સમસ્યાથી નાગરિકોને રાહત આપવા માટે તમામ ઝોનમાં પીએનજી જાેડાણો આપવા માટે ગેસ કંપનીની ત્રણ એજન્સીઓને રોડ ખોદવાની મંજૂરી તાબડતોબ આપી દીધી છે. ઉપરાંત, રોડ ખોદવાની મંજૂરી આપ્યા બાદ રોડ રિપેરિંગની કામગીરી જે તે એજન્સીએ કરાવવાની હોય છે, પરંતુ કમિશનરે રોડ રિપેરિંગનો ખર્ચ કંપની પાસેથી લઇને મ્યુનિ. પોતે રોડ રિપેર કરાવશે તેવો ર્નિણય લીધો છે.ગેસ કંપનીને નવા જાેડાણો આપવા માટે રોડ ખોદવાની જરૂર પડતી હોય છે અને તેના માટે દરેક ઝોનમાં ઇજનેર ખાતામાં અરજી કરવી પડે છે. તદઉપરાંત રોડ ખોદકામ કર્યા બાદ તેનાં રિપેરિંગનો ખર્ચ પણ ભોગવવો પડતો હોય છે.
પરંતુ મ્યુનિ. ઇજનેર ખાતામાં નવા રોડ, નવી ફૂટપાથ બન્યાં હોય તેવી જગ્યાઓએ ગેસ જાેડાણો માટે કંપનીઓને રોડ ખોદવાની મંજૂરી આપવામાં ખચકાટ અનુભવાતો હોય છે અને ડે.કમિશનર તેમજ કમિશનર સુધી જાણકારી આપવાની થતી હોય છે. તેથી મ્યુનિ. ઇજનેર ખાતા દ્વારા ગેસ કંપનીને વિવિધ વિસ્તારોમાં એક સાથે રોડ ખોદવાની મંજૂરી આપવામાં આવતી હોતી નથી. પરંતુ વર્તમાન ગેસ સંકટને ધ્યાને લઇ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં એલપીજીની જગ્યાએ પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ)નો વપરાશ વધે તેમજ રહેણાક વિસ્તારોમાં અને હોટલ-રેસ્ટોરન્ટ જેવાં એકમોમાં પણ પીએનજીનો વપરાશ થાય અને સમસ્યા હળવી બને તેવા હેતુથી મહત્વનો ર્નિણય લઇ તમામ ઝોનમાં રોડ ખોદવાની કેટલી અરજીઓ પેન્ડિંગ છે તેની વિગતો મંગાવી હતી અને ઇજનેર ખાતાનાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને તાબડતોબ ૮૨૦ અરજીઓને મંજૂરી આપી હતી.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ નવા બનેલાં રોડ ઉપર ખોદવાની મંજૂરી આપવાની સત્તા ડે.કમિશનરને આપી દીધી છે તેમજ જૂના રોડ ઉપર ખોદવાની મંજૂરી જે તે ઝોનનાં એડિશનલ સિટી ઇજનેર આપી શકશે તેવી સૂચના આપી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રોડ ખોદવાની મંજૂરી આપવામાં આવે તે પહેલા ગેસ કંપની પાસે ચાર્જ વસૂલ કરવામાં આવે છે, તેમાં પણ રાહત આપવામાં આવી છે.





