
ગેંગ વિરુદ્ધ દેશભરમાં ૯૦થી વધુ ફરિયાદો સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી નકલી વેબસાઈટ, આરોપીઓએ સોમનાથ ટ્રસ્ટના અધિકૃત ગેસ્ટ હાઉસ જેવા કે સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહના નામે ફેક વેબસાઈટ બનાવી હતી
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના જયપુર અને ભરતપુર વિસ્તારમાંથી પોલીસે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ અત્યંત આધુનિક પદ્ધતિથી પ્રવાસીઓને શિકાર બનાવતી હતી નકલી વેબસાઈટ, આરોપીઓએ સોમનાથ ટ્રસ્ટના અધિકૃત ગેસ્ટ હાઉસ જેવા કે સાગર દર્શન, લીલાવતી અને મહેશ્વરી અતિથિગૃહના નામે ફેક વેબસાઈટ બનાવી હતી.
તેઓ ‘Agoda‘ જેવા જાણીતા પ્લેટફોર્મ પર આ નકલી વિગતો સાથે ગેરકાયદે રજીસ્ટ્રેશન કરાવી બુકિંગ મેળવતા હતા. પ્રવાસીઓનો વિશ્વાસ જીતવા માટે તેઓ AI દ્વારા તૈયાર કરેલી નકલી બુકિંગ રસીદ આપતા હતા, જેથી શ્રદ્ધાળુઓને છેતરપિંડીનો ખ્યાલ ન આવે.
પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ૧૦ મોબાઈલ ફોન, ૨ સીમકાર્ડ મુદ્દામાલ કબજે કર્યા છે. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં દેશભરમાં ૯૦થી વધુ ફરિયાદો નોંધાયેલી છે. આ ગેંગ માત્ર સોમનાથ જ નહીં, પરંતુ અન્ય ધાર્મિક સ્થળોના નામે પણ છેતરપિંડી કરતી હોવાની આશંકા છે.




