
આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતીમાં કહેવત છે કે “પડ્યા ઉપર પાટુ”, એટલે કે માણસ પોતે દુખી હોય અને એમાં વધારાનુ પાછું દુખ આવે. આવી જ સ્થિતિ ગીર સોમનાથના ખેડૂતો સાથે આજે ઊભી થઈ છે. આજે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દયનિય છે અને એમાં પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે. સૌની ગામ અને આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદ આવ્યો છે. તેના કારણે લસણની ખેતી હોય, બાગાયતની ખેતી હોય અને અન્ય પાકોમાં પણ ભારે નુકસાન થયું છે.
આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે ખેડૂતો પહેલાથી જ દુખી હતા, તેમાં કમોસમી વરસાદના કારણે વધુ દુખી થયા છે, એટલે કે પડ્યા ઉપર પાટુ પડ્યુ છે. ત્યારે સરકાર એમનો સર્વે કરાવે અને નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી મારી ઉગ્ર માંગ છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને અગાઉ પણ ઘણી વખત નુકસાનનું વળતર મળ્યું નથી અને ઘણી વખત જિલ્લામાં સમાવેશ પણ કરવામાં આવ્યો નથી. ત્યારે આજે જ્યારે કમોસમી વરસાદ આવ્યો છે અને ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મારી સરકાર પાસે ઉગ્ર માંગ છે.





