૧ કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું સાણંદ-વિરમગામ હાઈવે પર પોલીસના દરોડા કુલ ૧,૩૬,૧૯,૬૮૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે : રાજસ્થાનના ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય પોલીસ જિલ્લાના સાણંદ ય્ૈંડ્ઢઝ્ર પોલીસ સ્ટેશનની ટીમે ૨૩મી ઓગસ્ટે સાણંદ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આશરે ૧૨૦૦ બોક્સમાં ભરેલી ૩૨૩૯૨ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂની અંદાજિત કિંમત ૧,૧૧,૦૩,૩૮૮ રૂપિયા થાય છે. આ ઉપરાંત ટ્રક અને કન્ટેનર, ૩ મોબાઇલ ફોન અને ૧૩૦૦ રૂપિયા રોકડા મળીને કુલ ૧,૩૬,૧૯,૬૮૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, પોલીસે કન્ટેનરના ડ્રાઇવર કરતારામ મેઘવાલ (ઉંમર ૩૦)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાનો રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું ખૂલ્યું છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજમેરનો સુરેન્દ્ર યાદવ, કન્ટેનરનો માલિક બાડમેરનો મેહરારામ માનારામ અને ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગરના સુદામડાના ત્રણ શખસો દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરત બોરીચા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સાણંદ GIDC પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂના આ મોટા જથ્થાની પ્રાપ્તિ, તેના નાણાકીય વ્યવહારો, લોડિંગ અને પરિવહન સહિતની સમગ્ર સપ્લાય ચેઇનને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ ગુનાહિત નેટવર્કમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે.





