
ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું.અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ.દુબઈથી ફ્લાઇટ FZ ૪૩૭ દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા૧૬ લાખની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઇટ FZ ૪૩૭ દ્વારા આવેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા૧૬ લાખની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેને તેણે પોતાની ટ્રોલી બેગના વ્હીલના પોલા ભાગમાં છુપાવ્યું હતું.કસ્ટમ્સ અધિકારીઓને પેસેન્જરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તપાસ કરતા, અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્યતા જાેવા મળી હતી. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં વ્હીલની અંદર સિલિન્ડર આકારના નક્કર સોનાના ટુકડા છુપાવેલા મળી આવ્યા હતા.
કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, દાણચોરો સ્કેનર અને વિઝ્યુઅલ તપાસથી બચવા માટે સતત નવી અને અનોખી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ પહેલા પણ સોનું બેગના હેન્ડલમાં કપડાની લાઈનિંગમાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં છુપાવેલું મળી આવ્યું છે.
જપ્ત કરાયેલા સોનાની કિંમત ઘરેલુ બજારમાં આશરે રૂપિયા૧૬ લાખ છે, અને તેને કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની જાેગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. પેસેન્જરની અટકાયત કરવામાં આવી છે અને આ દાણચોરી પાછળ કોઈ મોટી સિન્ડિકેટ છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.




