
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં મારા કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો હતા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારના મંત્રીઓ સમાજને, લોકોને અને સોશિયલ મીડિયામાં જવાબ આપતા નથી, અને હવે તો વિધાનસભામાં પણ યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે છે. આજે મેં પ્રશ્ન કર્યો હતો કે જુનાગઢ જિલ્લામાં આવેલી ઉબેર નદીમાં જેતપુરના ઔદ્યોગિક એકમમાંથી કેમિકલયુક્ત ઝેરી લાલ પાણી છોડવામાં આવે છે. આ લાલ પાણીના કારણે વિસાવદર મતવિસ્તારના વડાલ, ચોકી આસપાસના ગામો તથા જુનાગઢ મતવિસ્તારના મજેવડી સહિતના અનેક ગામોમાં કૂવા, બોર અને જમીનની નીચેનું પાણી લાલ અને પ્રદૂષિત બની ગયું છે, જે પીવા કે સિંચાઈ માટે યોગ્ય નથી. હાલમાં અમારી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા દસ દિવસથી આ મુદ્દે ધરણા પર બેઠા છે. અગાઉ જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજયભાઈએ પણ જિલ્લા સંકલન સમિતિમાં આ લાલ પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય પણ સ્વીકારી રહ્યા છે કે ઉભેર નદીમાં પ્રદૂષિત લાલ પાણી આવે છે. મજેવડી, ચોકી, વડાલ, કાથરોટા, ડેરવાણ, હિસાબપુર સહિત અનેક ગામોમાં કૂવા અને બોરમાં ઝેરી કેમિકલયુક્ત લાલ પાણી આવે છે. તેમ છતાં વિધાનસભામાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે ઉબેર નદીમાં કોઈ પ્રદૂષિત લાલ પાણી નથી અને પાણી સ્વચ્છ છે. મેં પૂછ્યું કે આ અંગે કેટલી ફરિયાદો મળી છે, તો સરકારે જવાબ આપ્યો કે કોઈ ફરિયાદ મળી નથી. જ્યારે લોકો ધરણા પર બેઠા છે, રેલીઓ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યા છે, ત્યારે ફરિયાદ ન મળ્યાનો જવાબ આપવો દુઃખદ બાબત છે. આ પ્રદૂષિત લાલ પાણીના કારણે જેતપુર, ભેસાણ, જુનાગઢ સહિત લગભગ ૪૦ થી ૪૫ ગામોમાં ખેતી પર ગંભીર અસર પડી છે. સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલીક જગ્યાએ સ્થળાંતર જેવી સ્થિતિ ઊભી થઈ છે. તેમ છતાં સરકારે વિધાનસભામાં પ્રદૂષણનો પ્રશ્ન સ્વીકાર્યો નથી.સરકાર એક તરફ ‘વંદે માતરમ’ પર ચર્ચા કરે છે, જેમાં સુજલામ અને સુફલામ જેવા શબ્દોનો ઉલ્લેખ છે, પરંતુ જો પાણી જ શુદ્ધ નહીં હોય તો ખેતી અને જનજીવન પર પ્રતિકૂળ અસર થવાની જ છે. નદીઓ અને પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા જાળવવી સરકારની જવાબદારી છે. પ્રદૂષણ રોકવા માટે હકીકત સ્વીકારી યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે મેં પૂછ્યું હતું કે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકાર પાસે કોઈ યોજના અમલમાં છે કે નહીં. કૃષિ મંત્રીએ જવાબમાં સ્વીકાર્યું કે યોજના તો છે, પરંતુ જ્યારે મેં પૂછ્યું કે અત્યાર સુધી કેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ છે, ત્યારે જવાબ મળ્યો કે કોઈને સહાય ચૂકવાઈ નથી. એટલે યોજના કાગળ પર છે, અમલમાં નથી. ગયા વર્ષે ડુંગળીના પાકને ભારે વરસાદનો માર પડ્યો હતો. અનેક ખેડૂતોની તૈયાર ડુંગળી ખેતરમાં અને ગોડાઉનમાં બગડી ગઈ હતી. ખેડૂતોને આશા હતી કે સરકાર તેમની મદદ કરશે, પરંતુ જાહેર કરાયેલ પેકેજમાં ક્વિન્ટલ દીઠ માત્ર એક રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી. એક રૂપિયાની સહાય? આજે એક રૂપિયામાં શું આવે છે ? વિધાનસભામાં જ્યારે મેં પૂછ્યું કે ડુંગળી પકવતા ખેડૂતોને શું વાસ્તવિક મદદ આપવામાં આવી છે, ત્યારે જવાબ મળ્યો કે કોઈ ખાસ આર્થિક સહાય આપવામાં આવી નથી. સરકાર જાહેરાતો અને ભાષણોમાં ખેડૂતોની વાત કરે છે, પરંતુ વાસ્તવિક સહાય આપવાની બાબતમાં આગળ આવતી નથી. ખેડૂતોને વાસ્તવિક આર્થિક આધાર અને સમયસર મદદ મળે તે જરૂરી છે.




