
સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓને પકડીને ડરાવી-ધમકાવી રહી છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત પરિબળ તરીકે ઊભરી રહી છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં વધતા ઓછા અંશે આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ખૂબ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને કોઈ પણ સંજોગોમાં દબાણ કરીને, દંડાનું શાસન ચલાવી, પોલીસથી ડરાવી-ધમકાવી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા એક વ્યવસ્થિત, સંગઠિત ષડયંત્રના ભાગરૂપે ચાલી રહી છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓની છેલ્લા દિવસોમાં ધરપકડ કરવામાં આવી રહી છે. 13 માર્ચના રોજ આમ આદમી પાર્ટીના લોકસભા ઓબ્ઝર્વર ઈશભાઈને પોલીસે પકડી લીધા. 14 માર્ચે પાલનપુરમાં આમ આદમી પાર્ટીના બે સભ્યોના ઘરે જઇને ધાક ધમકી આપી.15 માર્ચે સુરેન્દ્રનગરમાં અમારા કાર્યકર પુનીતકુમાર અને અજય કુમારને પકડી અપશબ્દો બોલી મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી ધમકી આપવામાં આવી. 16 માર્ચે નવસારીમાં અમારા બે કાર્યકર્તાઓને અડધી રાત્રે પકડીને ધમકાવવામાં આવ્યા. તેમજ વટવા રેલવે સ્ટેશન પરથી કૃષ્ણકુમાર યાદવ અને વિસ્મય ત્યાગી નામના કાર્યકર્તાઓને પકડીને તેમના ઉપર ખોટો એક્સિડન્ટનો આરોપ લગાવવામાં આવ્યો. નરોડાના કાર્યકર સોનુ તોમર, બાપુનગર વિધાનસભાના પ્રભારી રાજુ દિક્ષિત, અમદાવાદના હર્ષિત નોટીયાલ અને સુદીપ દિક્ષિત સહિતના અનેક કાર્યકર્તાઓના ઘરે અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ જઈ ગેરકાયદેસર રીતે તેમને પકડી, અપશબ્દ બોલી, મારામારી કરી અને ખોટી ફરિયાદો નોંધાવી દબાણ કરવામાં આવ્યું. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે ધરમપુર, મહેસાણા, અમદાવાદ, વટવા, નરોડા, નિકોલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત સહિત તમામ જગ્યાએ એકસરખી પદ્ધતિથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે પોલીસ ભાજપના લોકો પાસેથી ખોટી એફઆઈઆર કરાવી, તેમાં આમ આદમી પાર્ટીના ઓબ્ઝર્વર અને કાર્યકર્તાઓના નામ નાખી, તેમના મોબાઈલ જપ્ત કરી તપાસના નામે ડેટા ચેક કરી રહી છે કે તેઓ કોની સાથે વાત કરે છે, કેટલો ડેટા છે અને પાર્ટીના ઉમેદવારો કોણ છે. તમામ જગ્યાએ એક જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હું પોલીસ અધિકારીઓને સ્પષ્ટ કહેવા માગું છું કે આ દલાલી બંધ કરો. અમે તમારા દબાણથી કે ડંડાથી ડરવાના નથી. અમારા ઉમેદવારોને ચેક કરવાની જરૂર નથી. જે ઈમાનદાર હશે, દેશભક્ત હશે અને ગુજરાતની જનતાની સેવા કરવાની નિષ્ઠા ધરાવતો હશે, એ જ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બનશે. ગુજરાતની જનતાને હું જણાવું છું કે આ રીતે પોલીસનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીને તોડવાની કોશિશ થઈ રહી છે. એક તરફ ક્રાઈમ વધે છે, ગુંડાઓ બેફામ બને છે, પોલીસની હિંમત નથી કે ગુંડાઓને “તુ” પણ કહી શકે. પરંતુ ભાજપના કહેવા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. અમે ભાજપના નેતાઓને પણ વિનંતી કરીએ છીએ કે આ નીચ કક્ષાની હરકતો બંધ કરે. જો તમે ખરેખર વિકાસ કર્યો હોય તો ખુલ્લા મેદાનમાં આવો અને જનતાનો સામનો કરો. આજે તમામ જિલ્લાઓમાં એકસરખી રીતે ખોટી એફઆઈઆર કરીને આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમારા નેતાઓ, અમારા કાર્યકર્તાઓ અને સમગ્ર આમ આદમી પાર્ટી આ લડાઈ લડવા માટે તૈયાર છે. ભાજપથી અમે ડરવાના નથી.





