
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આટલા લાંબા સમયગાળા દરમિયાન ખેડૂતોને સતત હાલાકી ભોગવવી પડી હોવા છતાં પ્રશ્નના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી થઈ નહોતી. પરંતુ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ મુદ્દો વારંવાર જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો તેમજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકોમાં પણ રજૂઆત કરી હતી.
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયાસોના પરિણામે મામલતદાર કચેરી અને વહીવટી તંત્ર દ્વારા ગામના ગુમ થયેલા હક્કપત્રકના રેકોર્ડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ગામના હક્કપત્રક સંબંધિત મહત્વપૂર્ણ નોંધો શોધી કાઢવામાં સફળતા મળી છે. મળેલી નોંધોના આધારે હવે ખેડૂતોના 7/12 સહિતના જમીન રેકોર્ડમાં જરૂરી એન્ટ્રીઓ અને સુધારાઓ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના હક્કના દસ્તાવેજો અને જમીન સંબંધિત અધિકારો મળવા જોઈએ તે માટે તેઓ સતત લડત આપતા રહેશે. કુબા (રાવણી) ગામના ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સફળતા છે અને આગામી સમયમાં પણ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરીને કામગીરી ચાલુ રાખવામાં આવશે. કુબા (રાવણી) ગામના 20 વર્ષ જૂના પ્રશ્નના નિરાકરણની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થતાં ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોએ આ પ્રશ્નના ઉકેલ માટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના પ્રયાસોની પ્રશંસા કરી છે.





