
ગુજરાત સરકારની ભેળસેળિયાઓ સામે લાલ આંખ.૧૦૧૮ કિલો નકલી પનીરનો નાશ, આઈસ્ક્રીમ અને જ્યુસના સેન્ટરો પર તવાઈ.ગંભીર ઉલ્લંઘન બદલ ૧૮ એકમોને સીલ કરી દેવાયા છે, અને ૨૭૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે કમર કસી છે. એપ્રિલ મહિના દરમિયાન રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં હજારો કિલો શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૪૧૯૩ ખાદ્ય એકમોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૧.૮૩ લાખ રૂપિયાની કિંમતના ૧૦૧૮ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગંભીર ઉલ્લંઘન બદલ ૧૮ એકમોને સીલ કરી દેવાયા છે, અને ૨૭૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
ઉનાળામાં વધુ વપરાતા તરબૂચ, શેરડીનો રસ અને મેંગો જ્યુસ જેવા પીણાંઓની શુદ્ધતા ચકાસવા માટે ૧૭૦૫ નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ૧૧૮ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૨.૮૪ લાખ રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને છોડવામાં આવશે નહીં. હલકી ગુણવત્તાના આઈસ્ક્રીમ કે ઠંડા પીણા વેચનારા સામે કડક કાર્યવાહી થશે. તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે, સસ્તું ખાવાની લાલચ છોડીને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનો જ આગ્રહ રાખવો અને ભેળસેળ કરનારાઓનો બહિષ્કાર કરવો.





