
૨૦૨૮માં દોડશે પ્રથમ ટ્રેન ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું ૪૦% કામ પૂર્ણ આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો ૨,૭૯૮.૧૬ કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી ૧,૮૩૦ મીટરની ટનલની ૪૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી ૨૪ કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી ૧૧.૫ મહિનામાં ૬૮૩ મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે ૬૦ ટકા ટનલ પૂર્ણ કરતાં એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે.
તારંગા-અંબાજી-આબુ રોડ સુધીના ૧૧.૬૫ કિલોમીટરના નવો રેલવે લાઇન પ્રોજેક્ટ અંતર્ગત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ નિર્માણ પામી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટનલ ગુજરાતની સૌથી લાંબી ટનલ છે. જેની કુલ લંબાઈ ૧,૮૩૦ મીટર રહેશે. ટનલને બનાવવા માટે મુખ્ય ઇજનેરે જણાવ્યું કે, કામ દરમિયાન અનેક પડકાર આવે છે પરંતુ અંદર કામ કરતાં મોટાભાગના લોકો અનુભવી હોવાથી ખાસ વાંધો આવતો નથી. ટનલ બનાવવા માટે ટેમરોક નામના મશીનની મુખ્ય ભૂમિકા છે.ટનલમાં એક મિનિટ રહેવું અઘરું હોવાથી વેન્ટિલેશન મશીન મૂકાયું છે. જેમ ટનલની અંદર જઈએ તેમ ગરમી વધુ લાગે છે અને ઓક્સિજન ઓછો થતો જાય છે. જેથી ૧ મિનિટ પણ રહેવું અઘરું હોય છે. જેના માટે મોટું વેન્ટિલેશન મશીન મૂકાયું છે, જેથી ગરમ હવા બહાર આવે અને તાજી હવા અંદર આવે છે અને આ મશીન ૨૪ કલાક ચાલુ રહે છે.તારંગા અંબાજી આબુ રેલવે લાઇન પ્રોજેક્ટને ૨૦૨૬-૨૭ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. રેલવે સૂત્રોનું માનીએ તો અંદાજે ૨૦૨૮માં પ્રથમ રેલવે પાટા ઉપર દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવશે.
પોશીના તાલુકામાં પેટાછાપરા (હોલ્ટ) અને આંબા મહુડા (હોલ્ટ) એમ કુલ ૨ સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત તાલુકામાં ૮ મેજર બ્રિજ નિર્માણ પામશે, ૧ રોડ ઓવર બ્રિજ બનશે અને ૬ અંડર બ્રિજ બનાવવામાં આવશે.




