
નીતિ-નિયમોને નેવે મૂકીને કબરો ખોદી કાઢીપેટલાદમાં દલિત રોહિત સમાજના પૂર્વજાેની કબર પર જેસીબી ફેરવાયુંવિકાસના નામે માનવતા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છેઆણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં વિકાસના નામે માનવતા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં વર્ષો જૂના કબ્રસ્તાનને કોઈપણ પૂર્વ મંજૂરી કે જાણ વગર જેસીબી મશીનો વડે ખોદી નાખવામાં આવતા સ્થાનિક દલિત રોહિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત મલાવ ભાગોળ વિસ્તારમાં પણ કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે પાલિકા દ્વારા એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જાેકે, આ એજન્સીએ તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને રોહિત સમાજની સ્મશાનભૂમિ/કબ્રસ્તાન તરીકે ઓળખાતી જગ્યાએ ખોદકામ શરૂ કરી દીધું હતું.
દફન કરેલા મૃતદેહો આમતેમ ફેંક્યા આ અમાનવીય કૃત્યની ગંભીરતા ત્યારે વધી જ્યારે ખોદકામ દરમિયાન ત્યાં દફનાવવામાં આવેલા મૃતદેહો બહાર નીકળવા લાગ્યા. એજન્સીના માણસોએ આ પવિત્ર જગ્યાની ગરિમા જાળવવાને બદલે, દફન કરેલા મૃતદેહો અને અસ્થિઓને અસ્તવ્યસ્ત હાલતમાં ફેંકી દીધા હતા. પોતાના પૂર્વજાેના અવશેષોને આ રીતે રઝળતા જાેઈને સમાજના લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એજન્સી પાસે આ વિસ્તારમાં ખોદકામ કરવાની કે કબ્રસ્તાનની જમીનને અડકવાની કોઈ સત્તાવાર પરવાનગી નહોતી. પાલિકા અને એજન્સી વચ્ચેના સંકલનનો અભાવ અથવા તો એજન્સીની સીધી મનસ્વીતાને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ દલિત રોહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમાજ દ્વારા આ મામલે પેટલાદ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમની માંગ છે કે,ધાર્મિક લાગણી દુભાવનાર એજન્સી સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. કબ્રસ્તાનની જમીન પર થયેલું દબાણ અને ખોદકામ અટકાવી તેને મૂળ સ્થિતિમાં લાવવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપવામાં આવે.




