
રિક્ષાચાલક પાસેથી કફ સિરપની ૮૫૨ બોટલ કબજે કરાઈ વેજલપુર ફતેવાડીમાંથી વધુ એક વખત કફ સિરપનો જથ્થો પકડાયો ફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા અને અમદાવાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજ સાંજ પડતાંની સાથેજ કફ સિરપનું ધૂમ વેચાણ અમદાવાદમાં ડ્રગ્સ, દારૂ તથા ગાંજા ઉપરાંત યુવાનો કફ સિરપનો પણ નશો કરતા થઈ ગયા છે. ત્યારે એસઓજીની ટીમે વધુ એક વખત વેજલપુર ફતેવાડીમાંથી કફ સિરપની ૮૫૨ બોટલ સાથે એક રિક્ષાચાલક યુવકને ઝડપી લીધો છે. તે ઘણા સમયથી આ વિસ્તારમાં જ કફ સિરપનો ગેરકાયદે વેપલો કરતો હતો. શ્રમજીવીઓ કામધંધો કરીને થાકીને આવ્યા બાદ કફ સિરપનો નશો કરી ગાઢ નિદ્રામાં પોઢી જતા હોય છે, જ્યારે ઘણા યુવાનો કફ સિરપનો નશો કરી ફરવાની ધૂનમાં હોય છે.અમદાવાદ એસઓજીના બી.સી. સોલંકીની ટીમને બાતમી મળી હતી કે નશાખોરીના હબ ગણાતા વેજલપુર ફતેવાડીમાં મન્નત ફ્લેટના ત્રીજા માળે રહેતો મહંમદ જાવેદ ઉર્ફે રોગની અફઝલખાન પઠાણ (ઉ.વ. ૩૭) પોતાના ઘરમાં જ ગેરકાયદે રીતે કફ સિરપની બોટલો રાખે છે અને તેનો વેપલો કરે છે.પોલીસ તરત જ તેના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં તેના ઘરમાંથી ગેરકાયદે રીતે રાખવામાં આવેલી કફ સિરપની ૮૫૨ બોટલ મળી આવી હતી. પોલીસે જાવેદને કફ સિરપના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને તે આ કફ સિરપ ક્યાંથી લાવ્યો હતો તેમજ કોને વેચતો હતો તેની તપાસ શરૂ કરી છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા અને અમદાવાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજ સાંજ પડતાંની સાથે જ આવા તત્વો રિક્ષામાં કફ સિરપ વેચવા નીકળતા હોય છે. જેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.





