
ખાસ થીમ પર હશે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ.સાબરમતી રિવરફ્રન્ટ પર ઉભી કરાઈ હેરિટેજ પોળ.પોળનો અનુભવ થઈ શકે એ માટે જૂના દરવાજા, જૂની બારી, જુના પિલ્લર જેવા લાકડાના મટીરીયલો નો ઉપયોગ કરાયો.હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વર્ષનો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ કંઈક અલગ અને ખાસ બની રહેશે. જી હા…દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જાેવા મળશે.
આ વખતના કાઈટ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે.
અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરાઈ છે. અંદાજે ૫૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ ફેસ્ટિવલમાં હેરિટેજ પોળની થીમ પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ અને આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉત્તરાયણ વખતે જે રીતે લોકો પોળના ધાબા ભાડે રાખીને પતંગબાજીની મજા લેતા હોય છે, તેવો જ માહોલ અહીં ઉભો કરવાનો પ્રયાસ કરાયો છે.
સામાન્ય રીતે ૧૦ જાન્યુઆરીથી શરૂ થતો આ ફેસ્ટિવલ આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભ સદન ખાતે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેરિટેજ થીમ ગેટ પરથી પ્રવેશ કરશે અને ત્યાંથી વિશેષ સ્ટેજ સુધી ગોલ્ફ કાર્ટ દ્વારા પહોંચશે. પોળ અને મુખ્ય સ્ટેજ વચ્ચે કુલ ૫ અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે અને ફૈંઁ મહેમાનોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાઈટ ફેસ્ટિવલની સાથે સાથે પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોની પણ મુલાકાત લેશે.
માત્ર પતંગો જ નહીં, પરંતુ મુલાકાતીઓ માટે ખાણી-પીણીના ફૂડ સ્ટોલ્સ અને કલા-કૃતિઓનું પણ સુંદર આયોજન છે. આ વખતે કાઈટ ફેસ્ટિવલમાં અમદાવાદના અટલ બ્રિજની પ્રતિકૃતિ સહિતની વિવિધ કલાકૃતિઓ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અમદાવાદીઓ અને વિદેશી પર્યટકો માટે આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માત્ર આકાશમાં પતંગો જાેવાનો ઉત્સવ નહીં, પણ શહેરની હેરિટેજ સંસ્કૃતિને નજીકથી જાેવાનો એક લ્હાવો બની રહેશે.




