
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે! અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે ૮.૩૦ કલાક સુધી આંશિક વાદળછાયું આકાશ રહેવા વકી ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં વરસાદ કેમ પડી રહ્યો છે તે અંગેનું કારણ પણ જણાવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન, રાજસ્થાન પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન, મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન – જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ૨૬મી ફેબ્રુઆરીના સવારે ૮.૩૦ કલાક સુધી આંશિક વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. આ સાથે મહત્તમ તાપમાન 36 °C રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 22 °C રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ હવે ગુજરાત કિનારે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે. દક્ષિણ આંતરિક કર્ણાટકથી મરાઠવાડા સુધીનું ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ તમિલનાડુથી મધ્ય મહારાષ્ટ્ર સુધી આંતરિક કર્ણાટકમાં ફેલાયેલું છે. દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ છે. મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ એટલે ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી. આ સાથે જણાવ્યું કે, ૨૬મી તારીખના સવારે ૮.૩૦ કલાક સુધીમાં જ વરસાદની આગાહી છે. આ ઉપરાંત ત્રીજી તારીખ સુધીમાં હવામાન શુષ્ક રહેશે.




