
માસ્ટર માઈન્ડની ધરપકડ મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે
કચ્છના મુન્દ્રામાં ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બારોઇ રોડ પર આવેલા રૂદ્રાક્ષ જ્વેલર્સમાં બંદૂકધારી શખસોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો અને પોલીસને હવાલો કર્યો હતો. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસ અનુસાર, મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલા ચાર શખસોમાંથી મૂળ મધ્યપ્રદેશના પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિતની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસે પંકજની ૧૦ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરતાં કેસનો ભેદ ઉકેલાયો છે. જેમાં ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા ગીતમસિંહ હિરાસિંહ ઠાકુર (ઉં.વ.૪૧)ની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ગીતમની ધરપકડ કરી હતી.
ગીતમસિંહ મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે. થોડા વર્ષો પહેલો રાજસ્થાનમાં કૌટુંબિક તકરારમાં હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં પોલીસે ગીતમની ધપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. આ દરમિયાન ધોલપુર જેલમાં આરોપી પંકજ શર્મા સાથે તેની મિત્રતા થઈ હતી.
ભુજમાં આશરે વીસેક વર્ષથી સ્થાયી ગીતમ કેટરિંગ કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો. જેલમાં પંકજ સાથે મુલાકાત બાદ તેઓ એકબીજાના સંપર્કમાં હતા. આમ, બંનેએ સાથે મળીને મુન્દ્રામાં જ્વેલર્સ લૂંટવાનો પ્લાન કર્યો હતો. આ પછી પંકજે લૂંટ માટે દેશી તમંચા-પિસ્તોલની વ્યવસ્થા કરી અને તેના સાગરિત સતીષ સિકલવાર ઉપરાંત અન્ય બે સાગરિત મોન્ટુ પટેલ અને શિવો ઉર્ફે બચ્ચાં સાથે મળીને આખો પ્લાન બનાવ્યો હતો.
ત્રણ મહિનાના લૂંટના આયોજન બાદ, ઘટનાના દિવસે ગીતમ ભુજથી તેની રિક્ષામાં અને બાકીના ચાર સાગરિતો બે બાઈક મારફતે મુન્દ્રા પહોંચ્યા હતા. લૂંટના પ્લાન પ્રમાણે ગીતમ ભોરારા પાટિયા પાસે રિક્ષા રાખીને ઉભો હતો અને અન્ય ચાર સભ્યો લૂંટ કરીને આવે એટલે ત્યાંથી નાસી છૂટવાનું હતું. પરંતુ સોની પિતા પુત્રએ પ્રતિકાર કરતાં આખી બાજી પલટાઈ ગઈ હતી.
જેમાં આરોપી પંકજ સોનીની પકડમાં આવી ગયો અને અન્ય ત્રણ આરોપી બાઈકમાં ભાગી ગયા હતા. જાેકે, ભોરારા પાટિયા પાસે રાહ જાેતો ગીતમ કોઈ ન આવતા ત્યાંથી ભુજ જતો રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી પંકજ પર અન્ય રાજ્યોમાં સશસ્ત્ર લૂંટના છથી સાત ગંભીર ગુના નોંધાયેલા છે. ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ મુન્દ્રા જવા માટે ગીતમની મદદથી માધાપર જૂનાવાસની સનરાઈઝ સિટી સોસાયટીમાંથી એકસાથે બે બાઈક ચોરી કર્યા હતા. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા અધિકારી ફરાર આરોપી પાસે છે. પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. જ્યારે લૂંટના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.




