
જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર.માત્ર ત્રણ દિવસ પહેલા જ વાડજ પોલીસ સ્ટેશનથી પોક્સોનો એક આરોપી મેડિકલ ચેકઅપ બાદ ભાગી ગયો હતો.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ માલદે પરમાર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે (૧૧મી મે) સવારે આશરે ૧૦:૧૦ વાગ્યે જ્યારે જેલના મુખ્ય ગેટ પર સ્ટાફની શિફ્ટ બદલાઈ રહી હતી, ત્યારે તકનો લાભ લઈને માલદે કોઈની પણ નજરમાં આવ્યા વિના જેલની બહાર નીકળી ગયો હતો.મૂળ પોરબંદરના બગવદરનો રહેવાસી માલદે પરમાર વર્ષ ૨૦૨૫થી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેને સારવાર અર્થે રાજકોટથી અમદાવાદ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સવારે બડાચક્કર યાર્ડ નંબર-૪માં કેદીઓની દૈનિક ગણતરી વખતે તેની ગેરહાજરી જણાઈ હતી. સાંજે ૮ વાગ્યે જેલબંધીની પ્રક્રિયા દરમિયાન તે ભાગી ગયો હોવાની પુષ્ટિ થઈ હતી. આ મામલે જેલર દેવદત્તસિંહ ગોહિલે રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા અનુસાર, આરોપી જેલની અંદર નાનું-મોટું કામ કરતો હોવાથી તેની અવરજવર સામાન્ય જણાતી હતી. હાલમાં આ કેસમાં રાણીપ પોલીસ, સ્થાનિક ઝોનની ટીમો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીના લોકેશનને ટ્રેક કરવા અને તે કઈ દિશામાં ગયો છે તે જાણવા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગવાની આ બીજી ઘટના છે. માત્ર ત્રણ દિવસ પહેલા જ વાડજ પોલીસ સ્ટેશનથી પોક્સોનો એક આરોપી મેડિકલ ચેકઅપ બાદ ભાગી ગયો હતો, જાેકે તેને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. હવે સાબરમતી જેલ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએથી કેદીનું ભાગવું એ સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કરે છે.





