ઘી કાંટામાં બે દુકાન પર દરોડા લોરિયલ કંપનીની ૬.૯૦ લાખની નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ પકડાઈ શહેરમાં જે માગો તે વસ્તુ ડુપ્લિકેટ મળે છે ત્યારે પોલીસની તપાસથી લેભાગુ વેપારીઓમાં ફફડાટ અમદાવાદ શહેરમાં શુદ્ધ ઘી અને ખાણીપીણીની વસ્તુઓ હોય કે પછી ઘરવખરીની વસ્તુઓ હોય તમામ વસ્તુઓ ડુપ્લિકેટ મળી રહે છે ત્યારે ઘી કાંટા રોડ પરની બે કોસ્મેટિક શોપમાં પોલીસ દરોડો પાડી લોરિયલ અને મેટ્રિક્સ કંપનીની નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બંને દુકાનોમાંથી ૬.૯૦ લાખની કિંમતની ૧,૨૨૧ નંગ બનાવટી પ્રોડક્ટ્સ જપ્ત કરી છે. આ મામલે બન્ને દુકાન સંચાલકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.નવી દિલ્હી ખાતે આવેલી લોરિયલ કંપનીના અધિકૃતને અમદાવાદમાં કંપનીના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. આ માહિતીને આધારે સ્થાનિક પ્રતિનિધિ અને એસઓજી ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેકટર એ.બી.ભટ્ટ પીએસઆઈ એ.એ.વ્યાસની ટીમે દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. ઘી કાંટા રોડ પર પંચભાઈની પોળ પાસે આવેલી માય બ્યુટી સેન્ટરમાં તપાસ કરતાં સંચાલક યશ પ્રભુલાલ ઠક્કર(ઉં.વ. ૩૦, રહે. બોપલ) પાસેથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર અને માસ્ક સહિત રૂ. ૪.૪૪ લાખની કિંમતની ૭૭૫ નંગ નકલી પ્રોડક્ટ્સ મળી આવી હતી.બીજી તરફ, પાંચુ મીયાંના ડહેલા પાસે આવેલી લક્ષ્મી બ્યુટી શોપમાંથી સંચાલક ઋષભ રાજેન્દ્રભાઈ અગ્રવાલ (ઉં.વ. ૨૯, રહે. બાપુનગર) પાસેથી રૂ. ૨.૪૬ લાખની કિંમતની ૪૪૬ નંગ બનાવટી પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી. બંને સ્થળેથી મળેલા જથ્થાની કુલ કિંમત રૂ. ૬.૯૦ લાખ થાય છે. પોલીસે પ્રોડક્ટ્સનાં સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યશ ઠક્કરે મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં આવેલી નવ્યા એન્ટરપ્રાઇઝિસના માલિક દિનેશભાઈ પાસેથી યશ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મગાવતો હોવાનું જણાવ્યું હતું જ્યારે ઋષભ અગ્રવાલે ક્રોફર્ડ માર્કેટમાં આવેલી આર.કે. બ્યુટીના માલિક વિજયભાઈ પાસેથી મુંબઈ જઈ માલ ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત, બંને વેપારીઓ અમદાવાદના નારણપુરા સ્થિત ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના સેલ્સમેન લક્ષ્મણભાઈ પાસેથી પણ નકલી માલની ડિલિવરી મેળવતા હોવાની વિગતો સામે આવી છે. આ પ્રોડક્ટ્સ સ્થાનિક ગ્રાહકોને છૂટકમાં વેચવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસે સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં તમામ વસ્તુઓ ડુપ્લિકેટ મળતી હોવાથી પોલીસ ઉપરાંત મહાનગરપાલિકા અને અન્ય એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. છેલ્લા એકાદ વર્ષમાં કરોડો રૂપિયાની ડુપ્લિકેટ વસ્તુઓ કબજે કરવામાં આવી છે.




