
મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્દે ભાજપને ઘેર્યું.ગુજરાતમાં ૩૦ વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?.સુરતની મુલાકાતે આવેલા મનીષ સિસોદિયાને જ્યારે આંગડિયા મારફતે આવેલા ૧.૨૫ કરોડના ફંડ અંગે પૂછવામાં આવ્યું.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર જંગમાં આંગડિયા મારફતે આવેલા કરોડોના ફંડિંગને લઈને રાજકારણ ગરમાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઘટસ્ફોટ કરેલા ૧.૨૫ કરોડ રૂપિયાના પોલિટિકલ ફંડિંગ મુદ્દે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ‘આપ’ નેતા મનીષ સિસોદિયાએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘ગુજરાતમાં દાયકાઓથી ચાલતા આંગડિયા નેટવર્ક પાછળ કોનો હાથ છે?‘
સુરતની મુલાકાતે આવેલા મનીષ સિસોદિયાને જ્યારે આંગડિયા મારફતે આવેલા ૧.૨૫ કરોડના ફંડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સીધો ખુલાસો કરવાને બદલે ભાજપ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘મોદીજી બ્લેક મની નાબૂદ કરવાની વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આંગડિયા અને હવાલા કારોબાર ખુલ્લેઆમ કેમ ચાલી રહ્યો છે? શું પોલીસ અને સરકાર આ નેટવર્કને ચાલવા દઈને ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહી છે?‘
પોલિટિકલ ફંડિંગના પુરાવા તરીકે રજૂ કરાયેલા સીસીટીવી ફૂટેજ અંગે સિસોદિયાએ પડકાર ફેંકતા કહ્યું કે, ‘તંત્રએ માત્ર એક ચોક્કસ ફૂટેજ નહીં, પણ આખા મહિનાના સીસીટીવી જાહેર કરવા જાેઈએ. જેથી જનતાને ખબર પડે કે કયા પક્ષના નેતાઓ અને લોકો પૈસા લેવા માટે આંગડિયા પેઢીઓ પર આવે છે. ભાજપ આટલા વર્ષોમાં આ કારોબાર ખતમ કરી શકી નથી, જે સાબિત કરે છે કે તેમાં તેમની જ સંડોવણી છે.‘આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળશે તો સુરતના લોકો પર કોઈ પણ પ્રકારનો વધારાનો ટેક્સ કે પાણી વેરો લાદવામાં નહીં આવે તેવો વાયદો પણ સિસોદિયાએ કર્યો હતો. સ્માર્ટ મીટરના વિરોધ મુદ્દે તેમણે જનતાને ‘આપ‘ને મજબૂત બનાવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ‘ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે.‘





