
ખાણીપીણીજન્ય રોગચાળામાં ધરખમ વધારો : તાવનાં કેસો અંકુશમાં.શહેરમાં ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પાણીમાં પ્રદૂષણ ભળી ગયાનો રિપોર્ટ.છેલ્લા ૨૧ દિવસમાં ૫૭૯૪ નમૂના લેવાયાં હતા, તેમાંથી ૫૯ નમૂના અનફીટ એટલે કે પાણી પીવાલાયક નથી તેવા રિપોર્ટ આવ્યા.સ્માર્ટ સિટીનાં દાવા કરતાં મ્યુનિ.તંત્રનાં શાસનમાં શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૧ દિવસમાં ૫૯ જગ્યાએ પ્રદૂષિત પાણી પહોંચ્યું હોવાનાં ચોંકાવનારા રિપોર્ટ જાહેર થયાં છે.શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી કાળઝાળ ગરમી બાદ હાલ ગરમીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં ઉકળાટ અને બાફ અનુભવતાં શહેરીજનો વધુને વધુ પાણીનો વપરાશ કરવા માટે ગેરકાયદે કનેકશન અને મોટર-પંપનો ઉપયોગ કરે છે. તદઉપરાંત શહેરી ગટર લાઇનોની સફાઇમાં ચાલતી લાલિયાવાડીનાં કારણે અને ગટર લાઇનોમાં ભંગાણ પડી ગયાં હોવાથી પીવાનાં પાણીમાં ગટરનાં ગંદા પાણી મિક્સ થવાથી લોકોનાં ઘર સુધી પ્રદૂષિત પાણી પહોંચતુ હોવાની ફરિયાદો પણ વધવા પામી છે.શહેરીજનોને આપવામાં આવતાં પીવાનાં પાણીમાં ગટરનાં પાણી ભળી ગયાં છે કે નહિ તેની ચકાસણી માટે દરરોજ સવારે જુદી જુદી જગ્યાઓએથી પાણીનાં નમૂના લેવાય છે. છેલ્લા ૨૧ દિવસમાં ૫૭૯૪ નમૂના લેવાયાં હતા, તેમાંથી ૫૯ નમૂના અનફીટ એટલે કે પાણી પીવાલાયક નથી તેવા રિપોર્ટ આવ્યા છે. તેના પગલે જે તે વિસ્તારનાં ઇજનેર અને હેલ્થ ખાતાની દોડધામ વધી જવા પામી છે. આ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીથી લોકોને પેટમાં દુખાવો, ઝાડાઊલટીઅને કમળાનાં રોગચાળાનો ભોગ બનવુ પડ્યું હોવાનુ જાણવા મળ્યુ છે. તેવી જ રીતે મ્યુનિ. દ્વારા છેલ્લા ૨૧ દિવસમાં પાણીનાં નમૂના લેવામાં આવ્યા તેમાં ૪૧ જગ્યાએ પીવાનાં પાણીમાંથી જીવજંતુ અને બેક્ટેરીયાનો નાશ કરે તેવા ક્લોરીન ગેસની હાજરી વર્તાઇ નહોતી એટલે કે ક્લોરીન ગેસ પણ ગાયબ થઇ ગયેલો જણાયો હતો.શહેરમાં ચારેકોર વધી ગયેલાં ખાણીપીણીનાં ધંધાર્થીઓ પૈકી અનેક વેપારી હલકી ગુણવત્તાનાં અને વાસી ખાદ્યપદાર્થાે ગ્રાહકોને પધરાવતાં હોવાથી ઝાડાઉલ્ટી, કમળો, ટાઇફોઇડ તથા કોલેરા જેવા પાણીજન્ય રોગચાળામાં ધરખમ વધારો નોંધાયો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે પ્રચંડ ગરમીનાં કારણે મચ્છરની ઉત્પત્તિ ઉપર આપોઆપ અંકુશ આવી ગયો હોવાથી મચ્છરજન્ય મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યૂ તેમજ ચિકનગુનિયા જેવા તાવનાં કેસો સાવ ઓછી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે.





