
પોલીસ ભરતી અને બઢતી પર મોટી જાહેરાત.વિધાનસભામાં કાયદા મંત્રીએ રજૂ કર્યા આંકડા.કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ વિધાનસભામાં ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓની બઢતી અને નવી ભરતીના આંકડા રજૂ કર્યા.ગુજરાત રાજ્યના સુરક્ષા તંત્રને વધુ સુદ્રઢ બનાવવા અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં હાલ ૧૦,૨૮૮ જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ અસરકારક બનાવવા માટે ખાલી જગ્યાઓ ભરવા અને પોલીસ બેડામાં નવા લોહીનો સંચાર કરવાના હેતુથી આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સરકારે માત્ર નવી ભરતી પર જ નહીં, પરંતુ ફરજ બજાવતા પોલીસ કર્મીઓના મનોબળને વધારવા માટે બઢતી પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે. વિધાનસભામાં આંકડાકીય માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓને ઉચ્ચ પદ પર બઢતી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૪ માં ૬,૩૧૯ અને વર્ષ ૨૦૨૫ માં ૪,૭૮૧ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ આંકડાઓ દર્શાવે છે કે સરકાર પોલીસ વિભાગમાં કેરિયર ગ્રોથ માટે કેટલી ગંભીર છે.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કૌશિક વેકરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૬ માં જ વડોદરામાં ૧,૧૩૧ પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતી કરવામાં આવી છે.
આ નિમણૂકોથી શહેરની સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. વધુમાં, વડોદરામાં પોલીસ ઘટ પૂરી કરવા માટે છેલ્લા બે વર્ષમાં ૩૮૯ હેડ કોન્સ્ટેબલને PSI તરીકે અને ૪૩૪ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં બિનહથિયારી અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અંગે પણ મંત્રીએ વિગતો આપી હતી. વર્ષ ૨૦૨૪ ૨૫ દરમિયાન ૪૭૫ બિનહથિયારી PSI ની સફળતાપૂર્વક ભરતી કરવામાં આવી હતી. હાલમાં, વર્ષ ૨૦૨૫ ૨૬ ના વર્ષ માટે અંદાજે ૬૫૯ બિનહથિયારી PSI અને ૧૨૯ હથિયારી PSI માટેની સીધી ભરતીની પ્રક્રિયા કાર્યરત છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પોલીસ અધિકારીઓની જે પણ અછત છે તે દૂર કરવામાં આવશે.
મંત્રીશ્રીએ ગૃહમાં ખાતરી આપી હતી કે રાજ્યની પોલીસ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ટેકનોલોજી આધારિત છે. આ ભરતીઓ દ્વારા ગુજરાત પોલીસના આધુનિકીકરણમાં પણ મદદ મળશે. ૧૦,૨૮૮ ની નવી ભરતીમાં વિવિધ કેડરના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ આગામી સમયમાં ગુજરાતના ખૂણે ખૂણે શાંતિ અને સુરક્ષા જાળવવામાં મદદરૂપ થશે.




