
ટેરા નોવાઝ પીઝાના ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર દરોડા પ્રખ્યાત ટેરા નોવાઝ પીઝામાંથી નીકળ્યો વંદો હાઈજીન અને મોંઘા ભાવ વસૂલતી આ બ્રાન્ડની આવી ગંભીર બેદરકારી સામે આવતા ગાંધીનગર મહાનગરપાલિકાએ લાલઆંખ કરી છે
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફૂડ લવર્સ અને ખાસ કરીને પીઝાના શોખીનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં આવેલા ‘ટેરા નોવાઝ પીઝા‘ નામના જાણીતા આઉટલેટમાંથી પીઝાની અંદરથી વંદો નીકળતા ગ્રાહકોમાં ભારે હોબાળો મચી ગયો છે.
હાઈજીન અને મોંઘા ભાવ વસૂલતી આ બ્રાન્ડની આવી ગંભીર બેદરકારી સામે આવતા ગાંધીનગર મહાનગરપાલિકાએ લાલઆંખ કરી છે.આ આઘાતજનક ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા અને તંત્રને ફરિયાદ મળતા જ ગાંધીનગર મહાનગરપાલિકાની બે સક્ષમ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી અને કુડાસણ સ્થિત ટેરા નોવાઝ પીઝાના ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગની ટીમે સમગ્ર રેસ્ટોરાં સહિત અંદરના કિચન (રસોડા) વિભાગમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
મહાનગરપાલિકાની તપાસ દરમિયાન આઉટલેટના કિચનમાં ભારે આઘાતજનક વિગતો સામે આવી હતી.
રસોડામાં સાફ-સફાઈના નિયમોના લીરેલીરા ઉડેલા જાેવા મળ્યા હતા અને સ્વચ્છતા બાબતે અનેક મોટી ક્ષતિઓ જણાઈ આવી હતી. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનું જણાતા GMC એ ત્વરિત કડક પગલાં લીધા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આઉટલેટના સંચાલકોને કડક શબ્દોમાં ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ‘ ફટકારવામાં આવી છે. આ સાથે જ નિયમોના ભંગ બદલ પીઝા આઉટલેટનું ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આગામી ૩ દિવસ માટે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના પ્રતિબંધ દરમિયાન આઉટલેટમાં કોઈપણ પ્રકારની ખાદ્ય ચીજાેનું ઉત્પાદન કે વેચાણ (ઓફલાઇન કે ઓનલાઇન) થઈ શકશે નહીં. તંત્રની આ કડક કાર્યવાહીથી અન્ય બેદરકાર ખાદ્યપદાર્થોના વિક્રેતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.





