૩૦થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી ૧૪ ઑગસ્ટ સુધીના ૬ દિવસના પૂર્વાનુમાન સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે
ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે (IMD) આગામી ૧૪ ઑગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આગામી ૨ દિવસ એટલે કે ૧૦ ઑગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ૯ અને ૧૦ ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના ચમકારા અને ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઍલર્ટ છે.
બીજી તરફ, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ૧૪ ઑગસ્ટ સુધીના ૬ દિવસના પૂર્વાનુમાન સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદ અંગેનું કોઈ યલો, ઑરેન્જ કે રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
હવામાન વિભાગ અનુસાર, દેશભરમાં નિર્માણ પામેલી વિવિધ વાતાવરણીય સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસુ માહોલ સક્રિય છે.
મોન્સૂન ટ્રફ: દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હી, દેઓમાલી, સિદ્ધિ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલું છે.
લૉ-પ્રેશર સિસ્ટમ: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉપરી ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ જાેવા મળી રહ્યું છે. આ સિવાય ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર પણ ૩.૧ કિ.મી.ની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
ભેજવાળા પવનો: નીચલા સ્તરે અરબી સમુદ્ર પરથી દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાત પર ભેજ જળવાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ (મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય હોવાના કારણે આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ૯થી ૧૪ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ નાના-મોટા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ વરસવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય રહેશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે. આ દરમિયાન ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે આજે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પ્રહલાદનગર, જાેધપુર, સેટેલાઇટ, ઇસ્કોન ચાર રસ્તા અને વેજલપુર જેવા વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ વરસવાનું શરૂ થતાં જ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.





