
સૂતેલા લોકો પર હુમલો કરી કાન કાપી લેતા.ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ.આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જાેવા મળતો હતો.અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ મહિનાથી રાત્રિના સમયે ખેતરોમાં રખેવાળી કરતા શ્રમિકો અને ખેડૂતો માટે કાળ સમાન બનેલી ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય પંથકમાં મોટી સફળતા મળી છે. ઊંઘતા લોકોના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
મળતી માહિતી અનુસાર, સાણંદ, ચાંગોદર અને કેરાળા GIDC, જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાકની રખેવાળી કરવા સૂતેલા ખેડૂતો અને મહિલાઓ પર આ ગેંગ ત્રાટકતી હતી. લૂંટારુઓ એટલા ક્રૂર હતા કે લૂંટના ઈરાદે સૂતેલા લોકો પર જીવલેણ હુમલો કરી, તેમના કાન કાપીને સોનાની કાનની વાળીઓ અને બુટ્ટીઓ ખેંચી લેતા હતા. આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જાેવા મળતો હતો.વધતી જતી લૂંટની ઘટનાઓને ગંભીરતાથી લઈ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાળ બિછાવી હતી. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી દશરથ ઉર્ફે દશો દેવીપુજક અને સંજય કોદારિયાની ધરપકડ કરી છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ સાણંદ ગામ, સાણંદ GIDC, કેરાળા અને ચાંગોદર વિસ્તારમાં કરેલી લૂંટની કબૂલાત કરી હતી. આ કેસમાં હજુ એક આરોપી પ્રકાશ રતીલાલ દેવીપુજક ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના દાગીના સહિતનો મોટો મુદ્દામાલ રિકવર કર્યો છે. અંદાજે ૫૭ ગ્રામથી વધુ સોનાના અને ચાંદીના દાગીના સહિત કુલ ૬,૬૯,૭૭૧ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.
અમદાવાદ ગ્રામ્ય LCBએ પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ ટાઉન પોલીસ મથકે સોંપ્યા છે.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કોઈ વિસ્તારોમાં પણ આ પ્રકારના ગુના આચર્યા છે કે કેમ.





