
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓના કાર્યાલયો પણ ધમધમવા માંડયા છે. અને એમાં ભાજપના કાર્યાલયમાં તો જાણે કે રાફડો ફાટયો હોય એમ એક એક વોર્ડમાં અધધ!! ઉમેદવારો ઉમેદવારી કરવા ઉમટી પડયા છે. ત્યારે અન્ય પક્ષોને ઉમેદવારો શોધવા માટે ફાંફા મારવા પડે એવો ઘાટ હાલમાં ચાલી રહ્યો છે.
ત્યારે પાર્ટી કોઈપણ હોય આપણે જનરલ વાત કરીએ તો એક વાત ચોક્કસ છે કે જે પાર્ટીએ લાંબાગાળાનું શાસન ચલાવ્યું છે. અને એમાં જે ચહેરાઓ બબ્બે ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાઈને આવે છે એમને હવે પાણીચું આપી નવા ચહેરાઓ ને સ્થાન આપવું જોઈએ એ સમયની માંગ છે. અહીં કહેવાનો અર્થ એ છે કે જે લોકો વારંવાર ચૂંટાય છે પરંતુ લાંચ-રૂશ્વત, ખંડણી, છેડતી, બળાત્કાર કે અન્ય કોઈ ગુન્હાઓમા સંડોવાયા હોય કે ના હોય છતાં એમને ફરીથી ટિકિટ ફાળવણી ના કરવી જોઈએ. અર્થાત નો રિપીટેશન ફોર્મ્યુલા અજમાવી જે યુવાનોએ પાર્ટી માટે ૨૦ કે ૩૦ વર્ષો સુધી પાયાના કાર્યકરો તરીકે સક્રિય રીતે કર્યો કરીને પાર્ટીને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી હોય એવા અનુભવીઓની સાથે સાથે પાર્ટી સાથે દસ વર્ષ ઉપરાંતથી જોડાઈને પાર્ટી માટે સમયનો ભોગ આપ્યો હોય એવા
તરવરિયા નવોદિત યુવાનો જેઓમાં દેશસેવાની ભાવના પ્રબળ હોય એવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપી પાર્ટીએ યુવા નેતાઓના હાથમાં નેતૃત્વ સોંપી શહેરની સાથે સાથે દેશમાં યોગદાન આપવા માટે પણ ટિકિટોની ફાળવણી કરી યુવાનોને મેદાનમાં ઉતારવા એ જ સમય ની માંગ છે.





