
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ.૫% લાંચ લીધાની કબૂલાત બાદ કલેક્ટરના PA અને ક્લાર્કની બદલી.કલેક્ટર કચેરીમાં જમીનની ફાઈલો મંજૂર કરાવવા માટે લાંચનું ચોક્કસ માળખું ગોઠવાયેલું હતુ.કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ઈડી (ED) દ્વારા કરવામાં આવેલી તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરાઈ હતી, ત્યારે હાલ કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની પણ હાલ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
આ મામલે ED ની તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે કલેક્ટર કચેરીમાં જમીનની ફાઈલો મંજૂર કરાવવા માટે લાંચનું ચોક્કસ માળખું ગોઠવાયેલું હતું. જે મામલે તપાસ દરમિયાન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના PA જયરાજસિંહ ઝાલાએ કબૂલાત કરી છે કે, તે જમીન કૌભાંડના વહીવટમાં ૫ ટકા લેખે લાંચ લેતો હતો અને આ લાંચના નાણાંમાંથી અમુક હિસ્સો ક્લાર્ક મયુરસિંહ ગોહિલને પણ આપવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ભ્રષ્ટાચારના આ ખુલાસા બાદ કલેક્ટર તંત્ર દ્વારા આ બંને વિવાદાસ્પદ કર્મચારીઓને મુખ્ય મથકથી દૂર ખસેડી દેવામાં આવ્યા છે. આ મામલે હાલની માહિતી મુજબ PA જયરાજસિંહ ઝાલાને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી હટાવી મૂળી ખાતે બદલી કરી દેવાઈ છે. જ્યારે ક્લાર્ક મયુરસિંહ ગોહિલને કલેક્ટર કચેરીથી હટાવી ધ્રાંગધ્રા ખાતે બદલી કરી દેવાઈ છે.
નોંધનીય છે કે, આ કૌભાંડમાં અગાઉ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની પૂછપરછમાં જ PA અને ક્લાર્કના નામ ખુલ્યા હતા. ED ની રેડ બાદ હવે જે રીતે પલટવાર થઈ રહ્યો છે, તે જાેતા આગામી દિવસોમાં હજુ પણ કેટલાક ‘મોટા માથાઓ‘ના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.ED હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ૫ ટકા લેખે વસૂલાયેલી લાંચની રકમ ક્યાં રોકાણ કરવામાં આવી છે? શું આ લાંચના નાણાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય નેતાઓ સુધી પહોંચતા હતા? પૂર્વ કલેક્ટરના કાર્યકાળ દરમિયાન મંજૂર થયેલી તમામ શંકાસ્પદ ફાઈલોની અત્યારે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.




