
૯૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદના બગોદરામાં દારૂ ભરેલ ટ્રક ઝડપ્યો લોકસભાની ચૂંટણીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદના બગોદરા પાસે હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. લોકસભાની ચૂંટણીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, બગોદરા ટોલટેક્સ પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ ૬૬૬૦ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા સાથે ટ્રક અને અન્ય સામાન મળી કુલ રૂ. ૯૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જાેકે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં અન્ય ૪ શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બગોદરા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





