
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના સેટીંગબાજ પત્રકાર પરવાના વિરુધ્ધ એસીબી માં ફરિયાદ દાખલ થતાં રૂપિયા ચાર લાખ રોકડા લઈને નાસી છૂટેલા પરવાનાની સાથે-સાથે વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે.
સદર ગણેશવાલા અંગે એમ કહેવાય છે કે એમની આગળ ફરજ બજાવી ગયેલા મહિલા કાર્યપાલક ઇજનેરે જે જે ગેરકાયદેસર બાંધકામોના ડીમોલિશન કરેલા એ બધા જ ગેરકાયદેસરના બાંધકામો વચેટીયાની ભૂમિકા ભજવનારા પત્રકાર ઈસ્માઈલ ઉર્ફે પરવાના ના સેટિંગ થી વિપુલ ગણેશવાલાએ ઉભા કરાવીને રોકડી કરવાનું પાપ કરી મકાન માલિકો પાસે લાંબી એવી રકમ પણ અંકે કરવાનું સંભળાઈ રહ્યું છે.
એક બાજુ શહેરમાં ગેરકાયદેસર ઉભી થતી ઈમારતોના પાપે તક્ષશિલા જેવા કાંડ સર્જાય છે છતાં એમાંથી શિખવાને બદલે માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાંધવા આડેધડ ઉભી થઈ રહેલી ગેરકાયદેસર મિલકતોને વચેટીયા પત્રકારને હાથો બનાવી દેખાવ પૂર્તિ નોટિસો પાઠવીને મિલકત ધારકોને સાંણસામાં લેવામાં આવતા હતા. એમ કહેવાય છે કે ભ્રષ્ટ ઇજનેર ગણેશવાલા ના સમયમાં જ લિંબાયત વિસ્તારમાં ૪૦ થી ૫૦ જેટલા ગેરકાયદેસર શૈક્ષણિક ધામો ઉભા થઈ ગયા છે. જે સેટિંગ બાજ પત્રકાર પરવાના અને ગણેશવાલા ની જ રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે.
માહિતી તો એવી પણ મળી છે કે લિંબાયત, નવાગામ, ડિંડોલી ના કોર્પોરેટરોની બેદરકારી કહો કે ડરના કારણે અનેક લોકોને ભારે નુકસાન થયેલ છે. એટલું જ નહીં આ મહાનગરના બૌધ્ધિક માફિયા જેવા ગણેશવાલા એ કરોડોનો ભ્રષ્ટાચાર કરીને કરોડોની મિલકતો અને ગાડી વસાવી છે. એટલું જ નહીં ગણેશવાલાએ દિકરાના લગ્નમાં કરેલો ખર્ચો પણ દોઢ કરોડ ઉપરનો છે. ત્યારે જો નગર સેવકો જાગૃત અને સક્રિય હોત તો ગણેશવાલાની આ હિમ્મત ના થાત. અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ વિસ્તારના કોર્પોરેટરો ને આખરે કોનો ડર સતાવી રહ્યો હતો કે એમની બોલતી બંધ હતી.
એટલું જ નહીં લિંબાયત વિસ્તારમાં રહેતો સામાન્ય બે રૂમ રસોડાનો માલિક પણ ગણેશવાલા ના કરતૂતોથી સારી રીતે માહિતગાર હશે એમ માનવું ખોટું નથી જ.
હદ તો ત્યારે થઈ ગઈ કે લિંબાયતના ભાજપના જ માજી કોર્પોરેટરે પણ પોતાના બાંધકામ માટે થયેલી હેરાનગતિ અને કટકી કર્યા પછી પણ એને મજબૂરીથી મિલકત વેચવાનો વારો આવ્યો. એનાથી મોટી શરમજનક બાબત શું હોઈ શકે? આ રીતે ગણેશવાલાએ ગેરકાયદેસર ઉભા કરાતા બાંધકામોની વિગતો મેળવવા માટે લિંબાયત માં અનેક વચેટીયાઓ રોકેલા હોવાનું પણ આધારભૂત સૂત્રો ધ્વારા જાણવા મળેલ છે.
આમ ગણેશવાલા પોતાની પૈસાની ભૂખ સંતોષવા કાયદેસરના દસ્તાવેજ વાળા હયાત મકાનોને પણ તોડવાની નોટિસો આપી મિલકતદારને લાંબી રકમમાં ખંખેરી નાંખતા આખરે પાપનો ઘડો ભરાયો અને ફૂટ્યો છે.
ત્યારે એટલું જ કહેવાનું કે વિપુલ ગણેશવાલાની આવક એની સામે એણે દિકરાના લગ્નમાં કરોડોનો કરેલો ખર્ચ,બેંકના લોકરો, રોકડ અને દાગીના સહિત મકાન,વાહન વિગેરેની તળિયા ઝાટક તપાસ કરી ACB એ ભ્રષ્ટાચારીને જિંદગી જેલમાં વિતે એવો દાખલો બેસાડવો જરૂરી છે. તો જ ભ્રષ્ટાચાર ખટમ થશે.




