
હવામાન વિભાગની આગાહી રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા આગામી ૨, ૩ અને ૪ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ૨ એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. આગામી દિવસોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી (વીજળીના કડાકા-ભડાકા) પણ જાેવા મળશે. કમોસમી વરસાદ દરમિયાન પવન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. મુખ્યત્વે ૩૧ માર્ચ, ૨ એપ્રિલ, ૩ એપ્રિલ અને ૪ એપ્રિલના રોજ વરસાદની પ્રબળ શક્યતા છે.
કમોસમી વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં પણ ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ અમરેલીમાં મહત્તમ તાપમાન 38.5°C નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં લઘુત્તમ તાપમાન 19°C નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 38°Cની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ ભેજનું પ્રમાણ વધશે.
રાજ્યમાં વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને ઢાંકી દેવા સલાહ આપવામાં આવે છે. તેમજ ગાજવીજ વખતે ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેવા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. પશુઓને ખુલ્લા મેદાન કે નબળા છાપરા નીચે બાંધવાનું ટાળવું. હાલ ગુજરાતમાં ભલે ગરમીથી આંશિક રાહત મળી હોય, પરંતુ આ કમોસમી વરસાદ આર્થિક રીતે ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી સાવચેત રહેવું અનિવાર્ય છે.





