
SIR કેટલાનો ભોગ લેશે? ખેડા બાદ હવે વડોદરાના BLO ને આવ્યો હાર્ટ એટેક સાથીઓએ જણાવ્યું કે, ૧૦ દિવસથી તેઓ એક જ વખત જમી રહ્યા હતા અને વ્યવસ્થિત ઊંઘ પણ લઈ રહ્યા ન હતા
SIR ની કામગીરીના ભારે તણાવ વચ્ચે ફરી એક દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના બૂથ લેવલ ઓફિસર (BLO) જુલ્ફીકર પઠાણને અચાનક હાર્ટ એટેક આવતાં તેમની તબિયત લથડી છે. છાતીમાં અસહ્ય દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી જુલ્ફીકરભાઈ ભારે તણાવમાં હતા. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીનું એટલું બધું દબાણ હતું કે, તેઓ રાત-દિવસ કામમાં જ લાગેલા રહેતા હતા.
સાથીઓએ જણાવ્યું કે, છેલ્લા ૧૦ દિવસથી તેઓ એક જ વખત જમી રહ્યા હતા, અને વ્યવસ્થિત ઊંઘ પણ લઈ રહ્યા ન હતા.
આ ઘટના પછી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, તેમની તબિયત લથડતાં સાથી કર્મચારીઓએ ઉપરી અધિકારીઓને જાણ કરવા માટે ફોન કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. શિક્ષકો-કર્મચારીઓને ચૂંટણી કામમાં ખેડાવી દેવામાં આવે છે, પરંતુ તેમના આરોગ્ય કે સુરક્ષાની કોઈ ચિંતા કરવામાં આવતી નથી, એવા આક્ષેપ પણ ઉઠી રહ્યા છે.
આ પહેલાં પણ રાજ્યમાં અનેક BLO-શિક્ષકોની તબિયત બગડવાના કે કમકમાટીભર્યા મોતના સમાચાર આવી ચૂક્યા છે. ગઈકાલે SIR ની કામગીરીમાં મ્ન્ર્ંનું કામ કરતા ગીરસોમનાથના શિક્ષકે આપઘાત કરી લીધો હતો. શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યા પહેલા સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મારાથી કોઈપણ કાળે હવે આ BLO નું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે SIRની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું ચૂંટણી તંત્ર શિક્ષકોના જીવ સાથે રમત રમી રહ્યું છે?




