
પોતાની માંગણી સાથે પરિવારજનો ગાંધીનગર પહોંચ્યા.સોમનાથ જિલ્લાના માછીમારોને પાક.ની જેલમાંથી છોડાવવાની માંગ.માછીમારો અંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ અગાઉ સંસદમાં પ્રશ્ન ઉઠાવીને કેન્દ્રનું ધ્યાન દોર્યું હતું.સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૧૯૭ માછીમારો છેલ્લા છ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે આજે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. માછીમારોના પરિવારોએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને વહેલી તકે આ તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સ્તરે અસરકારક પગલાં લેવા વિનંતી કરી હતી.
આ મુદ્દે માછીમારોના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, દરિયામાં માછીમારી દરમિયાન અજાણતાં આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગાઈ જવાથી પાકિસ્તાન દ્વારા આ માછીમારોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા છ વર્ષથી તેઓ પાકિસ્તાનની વિવિધ જેલોમાં કેદ છે, જ્યારે તેમના પરિવારજનો આજે પણ તેમની વાપસીની રાહ જાેઈ રહ્યા છે.
માછીમારોના પરિવારજનોનું કહેવું છે કે, પરિવારના મુખ્ય કમાવનારા સભ્યો જેલમાં હોવાના કારણે ઘરના ચૂલા સળગાવવા મુશ્કેલ બન્યા છે.
ઘણા પરિવારો આર્થિક સંકટમાં ફસાયા છે, તો ક્યાંક બાળકોનું શિક્ષણ પણ ખોરવાયું છે. વૃદ્ધ માતા-પિતા અને પત્નીઓ સતત માનસિક તાણમાં જીવી રહ્યા છે. સરકાર તરફથી આશ્વાસન મળતું હોવા છતાં, લાંબા સમયથી કોઈ નક્કર પરિણામ ન આવતાં પરિવારોમાં નારાજગી અને નિરાશા વધી રહી છે.
આ રજૂઆત દરમિયાન રાજપરા બંદર, ઉના તાલુકા (જિલ્લો સોમનાથ)ના સરપંચ ભરતકુમાર વાઘજીભાઈએ જણાવ્યું હતું કે, “છ વર્ષનો સમય બહુ લાંબો હોય છે. અમારા માછીમારો કોઈ ગુનાહિત મનસૂબાથી સરહદ ઓળંગતા નથી. દરિયામાં માછીમારી દરમિયાન દિશા ભટકવાથી તેઓ પાકિસ્તાનની હદમાં પહોંચી જાય છે. સરકાર અમારી વેદનાને સમજે અને માનવીય દૃષ્ટિકોણથી આ મુદ્દે ગંભીર પ્રયાસ કરે.”
માછીમારોના પરિવારજનોના જણાવ્યા અનુસાર, કુલ ૧૯૭ માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. આ તમામ માછીમારોની યાદી અગાઉ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ આપવામાં આવી છે. આ મુદ્દે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ અગાઉ સંસદમાં પ્રશ્ન ઉઠાવીને કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું, છતાં હજુ સુધી તમામ માછીમારોની વાપસી શક્ય બની નથી.




