
ઈન્દોરની ૭૮ વર્ષની મહિલાએ મેડલ જીત્યો.મહિલાએ એમ.એ.માં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો.નિવૃત્ત જીવનમાં એકલતા દૂર કરવાની સાથે જીવનને નવો ઉદ્દેશ અને દિશા આપવામાં સફળતા મેળવી.૭૮ વર્ષની ઉંમરે ઘણા લોકો વૃદ્ધ થઇને જીવનની ગતિ ધીમી કરી દેતા હોય છે, ત્યારે સુષ્મા મોઘેએ શિક્ષણની નવી સફરની શરૂઆત કરી અને નિવૃત્તિ બાદ એમ.એ. મરાઠી કોર્સમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાસલ કર્યાે. સુષ્માએ ઈન્દોરની દેવી અહલ્યાબાઇ યુનિવર્સિટિમાંથી એમ.એનો અભ્યાસ પૂર્ણ કર્યાે છે.
યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલના હસ્તે મોઘેને મેરીટ લિસ્ટમાં ટોચ પર રહેવા બદલ ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. મોઘેએ કહ્યું, “આ ઉંમરે હું મરાઠીમાં એમ.એ. કરી શકું, એ મને ખબર જ નહોતી. જ્યારે મને આ તક વિશે જાણ થઈ, ત્યારે મેં તેનો સંપૂર્ણ લાભ લીધો.” નિવૃત્તિ પછી તેમના જીવનમાં એકલવાયાપણુ આવી ગયું હતું અને ફરીથી અભ્યાસ શરૂ કરવાથી તેમને નવો ઉદ્દેશ્ય અને દિશા મળી છે. તેમણે પોતાના શિક્ષકો પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું, “તેમણે મને સંપૂર્ણ સહકાર આપ્યો અને ઑનલાઇન તેમજ ઑફલાઇન બંને રીતે ભણાવ્યું.” . હાલમાં મોઘે પ્રખ્યાત હિન્દી લેખકોના સાહિત્યનું મરાઠીમાં ભાષાંતર કરી રહ્યા છે. તેમનો સંદેશ સરળ છે: “તમારો નવરાશનો સમય સમજદારીથી વાપરો અને વધુમાં વધુ વાંચન કરો. દુનિયામાં શીખવા માટે ઘણું છે.” યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાકેશ સિંઘાઈએ તેમના આ સિદ્ધિને સંસ્થાના ગૌરવની બાબત ગણાવી. તેમણે કહ્યું, “એમ.એ. કોર્સમાં પ્રથમ સ્થાન મેળવી મોઘે ગોલ્ડ મેડલ મેળવે છે, તે અમારી યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે.”




