(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દિવાળીના તહેવારોને હવે માંડ અઠવાડિયું રહ્યું છે. આવતા ગુરુવારે અગિયારસ છે ત્યારથી શરૂ થનારા દિવાળીના ઉત્સવો દેવદિવાળી સુધી ચાલશે. એક બાજુ દિવાળીનું પર્વ છે ત્યારે દિવાળીની ખરીદીના બજારો સૂમસામ છે. વેપારી વર્ગનું કહેવું છે કે મની સર્ક્યુલેશન (પૈસાનું ફરવું) થતું નથી તેવી બૂમો પાડી રહ્યો છે. તો વળી નોકરીયાત વર્ગ પૈસો હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છે. આ વખતે બોનસ અને પગાર બંને એકસાથે આવશે, માટે ૧લી તારીખ પછી દિવાળીની ખરીદીની મોસમમાં કાંઈક તેજી જોવા મળી શકે છે. સરકારી વિભાગો જેવા કે ઇન્ડિયન રેલવે, ઇન્ડિયા પોસ્ટ વિગેરેમાં બોનસની રકમ જાહેર થઈ ગઈ છે. બોનસના કારણે બજારોમાં પૈસો ફરતો થાય છે.દિવાળીએ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, માહોલ ઉત્સાહપૂર્ણ છે અને દરેક વ્યક્તિ આગામી તહેવારો માટે ખરીદી કરવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, કર્મચારીઓ પરંપરાગત દિવાળી બોનસની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેનું મહત્વ આજે પણ અકબંધ છે.
જ્યારે કેટલીક સંસ્થાઓ બોનસ ઉપરાંત દિવાળી એલાઉન્સ આપે છે, જેના કારણે બજારોમાં ખરીદીમાં તેજી આવે છે. દિવાળીના છૂટક બજારોમાંથી ખરીદી કરવાના કારણે અનેક શ્રમજીવીઓને ત્યાં પણ દિવા બળતા રહે છે. દિવાળીનો પરંપરાગત માહોલ હવે મંદ પડતો જાય છે. લોકોના ઘેર જઈને સાલમુબારક કહેવાના રિવાજની જગ્યાએ હવે સંયુક્ત રીતે નવું વર્ષ ઉજવવાનો ટ્રેન્ડ વધ્યો છે. દિવાળીની મજા સોશિયલ મીડિયાએ પણ બગાડી છે. ઓનલાઇન દિવાળી ઉજવનારા વોટ્સએપ મેસેજ મોકલીને સંતોષ માની લે છે.
ટુંકમાં ક્યાં પહેલાની પ્રેમભાવ અને એકબીજાનો આદર કરી નવું વર્ષ મુબારક કહેવાની પ્રથા? અને ક્યાં આજનો આધુનિક જમાનો જ્યાં માત્ર મેસેજ મોકલવાનો એક કૃત્રિમ આનંદ સિવાય કંઈ જ નહીં!




