
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના સંગઠન મહામંત્રી સૂરજ બગડાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકોને વધુ એક બિન શૈક્ષણિક કામ સોંપતો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. આ કામમાં હવે સરકારી શિક્ષકો રખડતા કૂતરાઓની ગણતરી કરશે. અમારો સવાલ છે કે શું શિક્ષકોને આવું કામ સોંપવું એ યોગ્ય છે?
વધુમાં AAP નેતા સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ સરકાર દ્વારા વારંવાર બિન શૈક્ષણિક કામો શિક્ષકોને સોંપવામાં આવ્યા છે; જેમ કે SIRની કામગીરી, શૌચાલય ગણતરી, સંખ્યા ભેગી કરવી વગેરે. શિક્ષકોને આવા કામ સોંપવામાં આવે છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર અને બાળકો પર ગંભીર ખરાબ અસર પડે છે. સરકારી શિક્ષકોનું મુખ્ય કામ એ છે કે શાળામાં આવતા વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાનો શિક્ષણ પૂરું પાડવું, પરંતુ સરકાર બિન શૈક્ષણિક કામોનો ભાર શિક્ષકો પર વધારે નાખી રહી છે. તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPની સ્પષ્ટ માંગણી છે કે સરકાર દ્વારા શિક્ષકોને આ રીતના બિન શૈક્ષણિક કામો સોંપવામાં ન આવે.




