આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રચના હીરપરાએ જણાવ્યુ હતું કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ કંપનીમાં કોઈ નોકરી કરતું હોય અને એમનું આર્થિક શોષણ કરવામાં આવે, ત્યારે લોકો સરકારને ફરિયાદ કરતા હોય છે. પરંતુ સરકાર હસ્તક આવતી આંગણવાડીઓની વર્કર બહેનોનું શોષણ જ જ્યારે આ સરકાર કરી રહી હોય, ત્યારે આ બહેનો પાસે ન્યાય મેળવવાનો કયો રસ્તો બચે છે? એક બાજુ દેશનું ભવિષ્ય એટલે કે નાના બાળકોના જીવન અને તેમની જીવનશૈલીનું ઘડતર આ બહેનો કરતી હોય છે, ત્યારે બીજી બાજુ આ જ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. અન્ય કોઈ રાજ્યમાં ચૂંટણીઓ હોય ત્યારે આ ભાજપ સરકાર, જે છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે, તે મહિલા સન્માનની વાતો કરે છે અને મહિલાઓને સન્માન રાશિ આપવાની વાતો કરીને આપે પણ છે. તો ગુજરાત તો સમૃદ્ધ રાજ્ય કહેવાય છે, તેમ છતાં ગુજરાતમાં જ આવી આંગણવાડી મહિલા કર્મચારીઓનું આર્થિક શોષણ થાય તો આ મહિલાઓ કોની પાસે ન્યાય માગવા જાય?
આ દેશ અને રાજ્યમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે અને બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે જે બહેનો દિવસ-રાત મહેનત કરતી હોય, તેમનું આર્થિક શોષણ થાય ત્યારે તેમને ન્યાય કોણ આપશે? ૩૦ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેઓ મહિલાઓને સશક્ત તથા ક્ષમતાવાન બનાવવાની વાતો કરે છે, પરંતુ જ્યારે સરકાર પોતે જ આંગણવાડી અને આશા વર્કર બહેનોનું શોષણ કરતી હોય ત્યારે તેમના મોઢે સશક્તિકરણની વાતો શોભતી નથી. તેથી અમે સરકારને કહેવા માગીએ છીએ કે આશા વર્કર બહેનોનું શોષણ કરવાનું બંધ કરો અને તેમને પૂરતું વેતન આપવાનું આયોજન હાથ ધરો, એ જ અમારી વિનંતી છે.





