વિદેશથી ડિપોર્ટ થતાં જ સુરક્ષા એજન્સીઓએ લીધો કબજાે દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અખ્તર મર્ચન્ટની દિલ્હી એરપોર્ટથી ધરપકડ! અખ્તર મર્ચન્ટ સામે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરું સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે દાઉદ ઇબ્રાહિમના કથિત નજીકના સાથી અને લાંબા સમયથી ફરાર અખ્તર કાસિમ અલી મર્ચન્ટને વિદેશથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતા જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને તેની અટકાયત કરી હતી. મર્ચન્ટ સામે મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાખોરી સહિતના ગંભીર કેસ નોંધાયેલા છે અને તાજેતરમાં જ ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી.અખ્તર મર્ચન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હોવાનું જણાવાયું છે. તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસની મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ મહિનાની શરૂઆતમાં ઇન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મહારાષ્ટ્ર પોલીસે રેડ કોર્નર નોટિસ માટે દરખાસ્ત મોકલી હતી, જેને ૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ઇન્ટરપોલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદેશમાંથી તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, ૬૦ વર્ષીય અખ્તર મર્ચન્ટ સામે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરું સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. તેની સામે આર્મ્સ એક્ટની કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, સંગઠિત ગુનાખોરી સામેના MCOCA કાયદા હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ કેસોમાં તેની કથિત ભૂમિકા અને અન્ય ગુનાહિત જાેડાણોની તપાસ ચાલી રહી છે.તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મર્ચન્ટ પર વિદેશમાં રહીને દાઉદ ઇબ્રાહિમના નેટવર્કને કથિત રીતે મદદ કરવાનો આરોપ છે. તેની સામે ગેરકાયદેસર હથિયારોની દાણચોરી, ડ્રગ્સના વેપાર તેમજ સંગઠિત ગુનાખોરીના નેટવર્કને નાણાકીય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત બાદ કેન્દ્રીય એજન્સીઓ અને મહારાષ્ટ્ર પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. કાશીમીરા પોલીસ સ્ટેશનની ટીમ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લઈ જવાની તૈયારીમાં છે, જ્યાં તેને કોર્ટમાં રજૂ કરી વધુ કસ્ટડીની માગ કરવામાં આવી શકે છે. મર્ચન્ટ સામેના આરોપો અંગે અંતિમ ર્નિણય કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને કાનૂની પ્રક્રિયા બાદ થશે.





