સમાન યુનિફોર્મ અને શિસ્ત પર કોર્ટનો ભાર સ્કૂલમાં હિજાબ પહેરવાની માગ પર અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો કોર્ટે જણાવ્યું કે માત્ર દાવો કરવાના આધારે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ શાળાના નિયમોમાં છૂટ આપી શકાય નહીં પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ શાળાના નિર્ધારિત યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લાની બેન્ચે જણાવ્યું કે અરજદાર હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા છે તે સાબિત કરવા માટે પૂરતો ધાર્મિક અથવા કાનૂની આધાર રજૂ કરી શકી નથી.
સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું કે હિજાબ ઇસ્લામમાં અનિવાર્ય છે તે સાબિત કરતો કોઈ સ્પષ્ટ ધાર્મિક અથવા કાનૂની પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. કોર્ટે જણાવ્યું કે માત્ર દાવો કરવાના આધારે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ શાળાના નિયમોમાં છૂટ આપી શકાય નહીં.
વિદ્યાર્થીની તરફથી જણાવાયું હતું કે તે ધોરણ ૬થી ૧૦ સુધી હિજાબ પહેરીને શાળાએ આવતી હતી અને તે સમયે શાળા તરફથી કોઈ વાંધો લેવામાં આવ્યો નહોતો. જાેકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભૂતકાળમાં આપવામાં આવેલી પરવાનગી અથવા છૂટછાટથી ભવિષ્યમાં પણ એવો કાનૂની અધિકાર ઊભો થતો નથી.
હાઈકોર્ટે જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ નક્કી કરવાનો અધિકાર છે. જાે યુનિફોર્મ નિયમ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન રીતે લાગુ કરવામાં આવે અને તેમાં ભેદભાવ ન હોય, તો વ્યક્તિગત પસંદગીના આધારે તેમાં ફેરફારની માગણી કરી શકાય નહીં.
કોર્ટના મતે યુનિફોર્મનો હેતુ વિદ્યાર્થીઓમાં સમાનતા, શિસ્ત અને સંસ્થાની વ્યવસ્થા જાળવવાનો છે. તેથી શાળા સંચાલન પોતાના નિર્ધારિત ડ્રેસ કોડનો અમલ કરાવી શકે છે.
અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ર્નિણયમાં અગાઉના ન્યાયિક ચુકાદાઓનો પણ સંદર્ભ લીધો હતો. બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના અગાઉના ર્નિણયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હિજાબને ઇસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા તરીકે માન્યતા આપવાનો આધાર તેને મળ્યો નથી.
તમામ દલીલો અને ઉપલબ્ધ કાનૂની તથા ધાર્મિક સામગ્રીને ધ્યાનમાં લીધા બાદ હાઈકોર્ટે વિદ્યાર્થીનીની અરજી ફગાવી દીધી અને શાળા સંચાલનને તેના નિર્ધારિત યુનિફોર્મ કોડનો અમલ ચાલુ રાખવાની મંજૂરી આપી.





