
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો.ઈડ્ઢએ અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું.હાઈકોર્ટે રોક હટાવતા જ ED દ્વારા મોટી કાર્યવાહી કરાઈ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં આજે મોટી કાર્યવાહી કરીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ‘અબોડ’ નામના નિવાસ સ્થાનને જપ્ત કર્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૭ માળના આ આલીશાન ઘરની કિંમત લગભગ ૩૭૧૬.૮૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મની લોન્ડરિંગ કેસ હેઠળ અત્યાર સુધીમાં જપ્તીની જે કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં અનિલ અંબાણી અને તેમના ગ્રૂપની કંપનીઓની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.
આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની બેંચે અનિલ અંબાણીને મોટો ઝટકો આપીને સિંગલ બેંચના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના બેંક એકાઉન્ટોને ફ્રોડ જાહેર કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જાહેર ક્ષેત્રની ત્રણ બેંકો – ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક અને બેન્ક ઓફ બરોડા – તેમજ એકાઉન્ટિંગ કન્સલ્ટન્સી ફર્મ બીડીઓ ઇન્ડિયા એલએલપીએ સિંગલ બેંચના વચગાળાના આદેશને હાઈકોર્ટમાં પડકારી અપીલ દાખલ કરી હતી.
સિંગલ બેંચે ડિસેમ્બર ૨૦૨૫માં ત્રણે બેંકો અને ફર્મ દ્વારા વર્તમાન અને ભવિષ્યમાં થનારી કાર્યવાહી પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ બેંચે કહ્યું હતું કે, કાયદાકીય રીતે ખામીયુક્ત ફોરેન્સિક ઓડિટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે ભારતીય રિઝર્વ બેંકના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે. ત્યારબાદ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં પડકારાયો હતો. આમ ત્રણેય બેંકોએ અંબાણી અને તેમની કંપનીઓને વચગાળાની રાહત આપતા સિંગલ બેંચના તે આદેશને પડકાર્યો હતો, જેમાં બેંચે RBI ના નિયમોનું ઉલ્લંઘનને ટાંકીને કહ્યું હતું કે, બેંકો વર્ષો બાદ ઉંઘમાંથી જાગી છે.
સિંગલ બેંચના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકારતી અપીલમાં બેંકોએ કહ્યું કે, જે ફોરેન્સિક ઓડિટના આધાર પર ખાતાઓને ફ્રોડ જાહેર કરાયા, તે કાયદેસર રીતે માન્ય અને તેમાં નાણાંની હેરાફેરી તેમજ દુરુપયોગ થયો હોવાના ગંભીર પુરાવા સામે આવ્યા છે. બેંકોએ દલીલ કરી છે કે, અંબાણીએ સિંગલ બેંચ સમક્ષ ફોરેન્સિક ઓડિટને ટેકનિકલ આધારે પડકાર્યો હતો. ત્યારબાદ બેંકોએ હાઈકોર્ટને સિંગલ બેંચના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. અનિલ અંબાણીએ ત્રણે બેંકોની તે કારણદર્શક નોટિસને પડકારી હતી, જેમાં તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના ખાતાઓને ફ્રોડ જાહેર કરવાનો પ્રસ્તાવ રખાયો હતો.
બોમ્બે હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સિંગલ બેંચના આદેશને રદ કરવાની સાથે તે આદેશને ગેરકાયદે અને વિકૃત ગણાવ્યો હતો. દલીલ દરમિયાન અંબાણીના વકીલોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, આદેશ પર રોક લગાવવામાં આવે, જેથી કરીને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. પરંતુ કોર્ટે વકીલોની આ માંગને નકારી દીધી છે.




