રેલવેમાં રાત્રે મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ રાત્રે ૧૧થી સવારે ૫ વાગ્યા સુધી ટ્રેનમાં ચાર્જિંગ નહીં કરી શકાય પાવર બેંક ફાટવાની ઘટના બાદ રેલવે બોર્ડ કડક, નિયમોના પાલન માટે સરપ્રાઇઝ ચેકિંગ થશે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાના નિયમોને કડક રીતે અમલમાં મૂકવાની સૂચના આપી છે. રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ટ્રેનના ડબ્બાઓમાં રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી સવારે ૫:૦૦ વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ ફરજિયાતપણે બંધ રાખવામાં આવે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં ન આવે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.ભારતના સુંદર શહેરોદક્ષિણ પૂર્વ રેલ્વેમાં ટ્રેન દરમિયાન ચાર્જિંગ પર મુકેલી એક પાવર બેંક ફાટવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દુર્ઘટના સમયે કોચમાં નિયમ મુજબ ચાર્જિંગ પોઇન્ટ બંધ કરવામાં આવ્યા નહોતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને રેલ્વે બોર્ડે નક્કી કરેલા સમયમાં ચાર્જિંગ સુવિધા બંધ રાખવા અંગે કડક વલણ અપનાવ્યું છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ, બેટરી ઓવરહીટિંગ કે શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા માટે આ એહતિયાતી પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૯ જૂન ૨૦૧૪ અને માર્ચ ૨૦૨૧માં પણ રેલ્વેએ આ અંગેના આદેશો બહાર પાડ્યા હતા.રેલ્વે બોર્ડે સંબંધિત ઓનબોર્ડ સ્ટાફ અને કર્મચારીઓને નિર્ધારિત સમયે ચાર્જિંગ પોઇન્ટ બંધ કરવાના કડક આદેશ આપ્યા છે. આ નિયમનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે અધિકારીઓ અને સુપરવાઈઝરોને ટ્રેનોમાં અચાનક (સરપ્રાઈઝ) તપાસ કરવાનો ર્નિદેશ આપવામાં આવ્યો છે. નિયમ પાલનમાં કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રેલ્વેએ મુસાફરોને પણ સલાહ આપી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા જ પોતાના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરી લે.




