વાંગચૂકના નિવેદન પર સરકાર લાલઘૂમ લદાખમાં એવી બળજબરી થઈ રહી છે જેવું ચીન પણ તિબેટમાં નથી કરતું ધર્મશાળા સ્થિત સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશન (CTA)એ વાંગચુકના નિવેદનને ‘અયોગ્ય’ ગણાવ્યું લદ્દાખના સામાજિક કાર્યકર અને લેહ એપેક્સ બોડી (LAB)ના સભ્ય સોનમ વાંગચુકના લદ્દાખની સ્થિતિની તિબેટ સાથે કરાયેલા સરખામણીના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ધર્મશાળા સ્થિત સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશન (CTA)એ વાંગચુકના નિવેદન સામે વાંધો વ્યક્ત કરીને તેને ‘અયોગ્ય અને વાસ્તવિક સ્થિતિથી દૂર’ ગણાવ્યું છે. CTA ના પ્રવક્તા તેનઝિન લેકશેના જણાવ્યા મુજબ, તિબેટની વર્તમાન સ્થિતિને લદ્દાખ સાથે સરખાવવી યોગ્ય નથી.
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લેહમાં ગયા વર્ષે થયેલી હિંસાની પ્રથમ વરસી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વાંગચુકે લદ્દાખના રાજકીય મુદ્દાઓ અને લોકોની ચિંતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લદ્દાખના લોકોએ ભારતને લોકશાહી અને સન્માનપૂર્વક જીવન જીવવાની આશાએ પસંદ કર્યું હતું. આ દરમિયાન તેમણે લદ્દાખની સ્થિતિની તિબેટ સાથે સરખામણી કરતા દાવો કર્યો હતો કે લદ્દાખમાં જે પ્રકારનું દમન થઈ રહ્યું છે, તેવું ચીન તિબેટમાં પણ નથી કરી રહ્યું.
ઝ્ર્છના પ્રવક્તા તેનઝિન લેકશે દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે વાંગચુકની સરખામણી તિબેટની વાસ્તવિક સ્થિતિ દર્શાવતી નથી. CTA ના જણાવ્યા અનુસાર, તિબેટ હજુ ચીનના શાસન હેઠળ છે અને ત્યાં તિબેટીઓના મૂળભૂત અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખ અંગે ગંભીર પ્રતિબંધો હોવાનો તેનો દાવો છે. જ્યારે લદ્દાખમાં આવી કોઇ જ સ્થિતિ નથી.
વાંગચુકે આ નિવેદન લદ્દાખમાં ગયા વર્ષે થયેલી હિંસાની પ્રથમ વરસીએ આપ્યું હતું. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયા હતા. લદ્દાખ માટે છઠ્ઠી અનુસૂચિનું રક્ષણ અને રાજ્યનો દરજ્જાે સહિતની માંગણીઓને લઈને આંદોલન ચાલી રહ્યું હતું. વાંગચુકે આ ઘટનાઓની તપાસની પણ માંગ કરી છે.
વાંગચુક લાંબા સમયથી લદ્દાખને બંધારણીય સુરક્ષા આપવા, છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ અને અન્ય રાજકીય અધિકારોની માંગ ઉઠાવતા રહ્યા છે. ૨૦૨૬માં તેમણે ફરી આ મુદ્દાઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. ૨૪ સપ્ટેમ્બરની વરસી પર તેમણે ગયા વર્ષની ઘટનાઓ માટે જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી. આ મુદ્દે એક તરફ વાંગચુક લદ્દાખની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ CTA એ તિબેટની સ્થિતિને અલગ સંદર્ભમાં જાેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બંને પક્ષોના નિવેદનો બાદ લદ્દાખ અને તિબેટની સ્થિતિ અંગેની ચર્ચા ફરી તેજ બની છે.




