
૧૮ જુને ચૂંટણી, એ જ દિવસે પરિણામ.ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકો સહિત ૨૪ સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર.ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬ની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે દેશના ૧૦ રાજ્યોની કુલ ૨૪ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચ અનુસાર આ બેઠકો માટે ૧૮ જૂન ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.
ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ૧૦ રાજ્યોમાં યોજાનારી આ ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટ અનુસાર, રાજ્યસભાના ૨૪ સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈ ૨૦૨૬ દરમિયાન પૂર્ણ થઈ રહ્યો છે, જેના કારણે આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાતની ચાર બેઠકો માટે પણ ૧૮ જૂનના રોજ મતદાન યોજાશે.ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેના કારણે આ બેઠકો ખાલી થઈ રહી છે. ઉપરાંત જેઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ, અને પૂર્વ વડાપ્રધાન જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ છે. રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો પણ ખાલી થઈ રહી છે.
ચૂંટણી પ્રક્રિયા મુજબ ૧ જૂન ૨૦૨૬ના રોજ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો ૮ જૂન સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે, જ્યારે ૯ જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન નક્કી કરવામાં આવી છે.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ૧૮ જૂને સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારબાદ એ જ દિવસે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૨૦ જૂન ૨૦૨૬ સુધી પૂર્ણ કરવામાં આવશે.
આ ચૂંટણીમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમની બેઠકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચાર બેઠકો આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાંથી ખાલી થઈ રહી છે. કર્ણાટકમાંથી પણ ચાર રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટ સૂચના આપી છે કે મતદાન દરમિયાન માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલા ખાસ જાંબલી રંગના સ્કેચ પેનનો જ ઉપયોગ કરવામાં આવશે. અન્ય કોઈ પેનના ઉપયોગને મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે.
રાજકીય રીતે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે રાજ્યસભામાં સંખ્યાબળ અનેક મોટા વિધેયકો અને રાજકીય વ્યૂહરચનાઓ પર સીધી અસર કરે છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી અને સમર્થન એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ કરી શકે છે.





