(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતની લોકશાહી માં મતદાન માત્ર આંગળી ઉપરની શાહી નથી પરંતુ એ સત્તા કોના હાથમાં જશે, સરકાર
કોની બનશે અને સમાજના ભવિષ્યની દિશા શું હશે તેનો નિર્ણય છે. પરંતુ ચૂંટણી જ્યારે લોકહિતના મુદ્દાઓને બદલે
જાતિ, ધર્મ, ઓળખ અને ઉમેદવારોના રાજકીય ગણિતમાં અટવાઈ જાય છે ત્યારે લોકશાહીનું સૌથી મોટું હથિયાર મત
જ ક્યારેક પોતાના જ હિતની વિરુદ્ધ પરિણામ આપી શકે છે.
શું મુસ્લિમ ઉમેદવારને મત આપવાથી મુસ્લિમ સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ વધે છે કે ક્યારેક અનાયાસે
બીજા પક્ષનો રસ્તો આસાન બને છે? આ પ્રશ્ન મતદાર ને પણ સમજતો નથી પરંતુ તેનો સામનો કર્યા વિના ચૂંટણીના
રાજકારણ ને સમજવું શક્ય નથી. આખરે, પ્રશ્ન એ નથી કે મુસ્લિમ ઉમેદવારને મત આપવો કે નહીં. સાચો પ્રશ્ન એ
છે કે કોને મત આપવાથી લોકશાહી મજબૂત બનશે, જનતાના પ્રશ્નો ઉકેલાશે અને બંધારણના સમાનતાના
સિદ્ધાંતોનું રક્ષણ થશે? ચૂંટણીના મેદાનમાં લાગણીઓથી નહીં, ગણિતથી પણ વિચારવું પડે છે, સાથો સાથ માત્ર
ગણિતથી નહીં, નીતિ અને નૈતિકતાથી પણ નિર્ણય લેવો પડે છે.
મતદારો જો ઉમેદવારની ઓળખ કરતાં તેની કામગીરી, પક્ષની નીતિ અને પોતાના ભવિષ્યને પ્રાથમિકતા
આપશે, તો કોઈપણ રાજકીય પક્ષ માટે તેમને માત્ર મત બેન્ક સમજીને વટાવવાનું મુશ્કેલ બનશે. કારણ કે લોકશાહીમાં
સૌથી મોટો પરાજય ત્યારે નથી થતો, જ્યારે કોઈ પક્ષ ચૂંટણી હારે છે, સૌથી મોટો પરાજય ત્યારે થાય છે, જ્યારે
મતદાર પોતાનો મત કોના હિતમાં વપરાયો તે સમજ્યા વિના વિજયના નારા લગાવતો રહે છે. મત તમારો છે, નિર્ણય
તમારો છે. સાથો સાથ એ નિર્ણયનો લાભ કોને મળે છે, એ સમજવાની જવાબદારી પણ તમારી (મતદાર)ની જ છે.




