(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારત ૧૪૦ કરોડની વસ્તી સાથે ઊંડાણના ગામોમાં ભૂખમરો ધરાવતો અને જળસંકટ સામે ઝઝૂમતો દેશ છે. ભારત જેવા દેશમાં પ્રથમ પેઢીના પાક (શેરડી, અનાજ) માંથી ઇથેનોલ બનાવીને વાહનોમાં બાળવું એ આર્થિક અને નૈતિક રીતે કેટલું વ્યાજબી ગણાય?
જ્યાં સુધી ભારત કૃષિ કચરા, પરાળી અને ઘાસમાંથી બનતા સેકન્ડ જનરેશન (2G) ઇથેનોલનું વિશાળ પાયે ઉત્પાદન ન કરી શકે, ત્યાં સુધી સીધા ખાધ્ય પાકો પર નિર્ભર રહેવું એ મોંઘવારી અને ભૂખમરાને સામે ચાલીને આમંત્રણ આપવા જેવું છે. ભારત માટે આ પગલું જો કોઈ સંતુલિત નિયમન વગર ઉદ્યોગપતિઓના નફા ખાતર કે માત્ર ક્રૂડ આયાતના આંકડા નીચા બતાવવાની રાજકીય ઘેલછામાં અંધાધૂંધ રીતે અમલમાં મુકાશે તો, તે દેશના અર્થતંત્ર માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવી એ આવકાર્ય લક્ષ્ય છે. પરંતુ તે લક્ષ્ય દેશના ગરીબોના અનાજ, રસોડાની મોંઘવારી અને ધરતીના ભૂગર્ભ જળની આહુતિ આપીને સિધ્ધ ન થવું જોઈએ. બાકી આ ઊર્જાની આત્મનિર્ભરતાનું વરદાન ગણાતું ફ્યુઅલ ભારતીયો માટે આર્થિક અભિશાપ બની જશે.
સૌથી ભયાનક અસર દેશની ખાદ્ય સુરક્ષા અને સામાન્ય ગૃહિણીઓના રસોડા પર પડવાની છે. ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડીના રસ, બી-હેવી મોલાસીસ, ચોખા અને મકાઈમાંથી થાય છે. જ્યારે સરકાર ડિસ્ટિલરીઓને આકર્ષક ભાવે ઇથેનોલ ખરીદવાની ખાતરી આપશે, ત્યારે મિલો અને વેપારીઓ ખાંડ કે ગોળ બનાવવાને બદલે સીધો શેરડીનો રસ ઇથેનોલમાં ઉપયોગમાં લેશે. પરિણામે સ્થાનિક બજારમાં ખાંડ અને ગોળની ભારે કૃત્રિમ અછત સર્જાશે. અને જે ખાંડ આજે ૪૦-૪૫ રૂપિયે કિલો મળે છે, એ વધીને ૭૦ થી ૯૦ રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. અને જો ઇથેનોલનો ભાવ પેટ્રોલથી સસ્તો નહીં હોય તો ગ્રાહકો પર આર્થિક બોજો પડશે એ અલગ છે.




