
હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું.હું બુરખાની વિરુદ્ધ પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જાેઈએ.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવાના કૃત્યને લઈને વિવાદ વધ્યા.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હરકતને લઈને હવે દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. સામાન્યથી સેલિબ્રિટીઝ નીતિશ કુમાર પાસે માફી માંગવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ઝાયરા વસીમ, રાખી સાવંત અને સના ખાન અને હવે, જાવેદ અખ્તરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે નીતિશ કુમાર પાસેથી માફીની માંગ કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જાવેદ અખ્તરે એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “જે લોકો મને સહેજ પણ ઓળખે છે, તેઓ જાણે છે કે, હું પડદાના પરંપરાગત ખ્યાલનો કેટલો વિરોધ કરું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે, હું કોઈપણ રીતે માની લઉં કે, શ્રી નીતિશ કુમારે મુસ્લિમ મહિલા ડૉક્ટર સાથે જે કર્યું તે વાજબી હતું. હું તેની કડક શબ્દોમાં નિંદા કરું છું. શ્રી નીતિશ કુમારે તે મહિલાની બિનશરતી માફી માંગવી જાેઈએ.”
ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તર પહેલા પણ બોલિવૂડની ઘણી હસ્તીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચૂકી છે. ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણીએ લખ્યું હતું કે, “સ્ત્રીની ગરિમા અને શિષ્ટાચાર સાથે રમવું યોગ્ય નથી, ખાસ કરીને જાહેર મંચ પર. એક મુસ્લિમ મહિલા તરીકે, બીજી મહિલાનો બુરખો આટલી સરળતાથી ખેંચવામાં આવે છે, અને તે પણ હસતા-હસતી, તે ખૂબ જ ગુસ્સે કરનારું હતું. સત્તા કોઈને પોતાની હદ ઓળંગવાની મંજૂરી આપતી નથી. નીતિશ કુમારે તે મહિલાની માફી માંગવી જાેઈએ.”
સનાએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણીએ નીતિશ કુમારનું નામ લીધા વિના પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું કે, “થોડા દિવસો પહેલા, અમારી એક હિજાબી બહેનનો હિજાબ, જેનો અર્થ થાય છે બુરખો, તે ફેસ કવર હતું. જ્યારે અમારા આદરણીય રાજકારણી તેણીને પ્રમાણપત્ર આપી રહ્યા હતા, ત્યારે મને ખબર નથી કે, તેના અંદર એવું શું ઉત્તેજિત થયું કે, તેનો ચહેરો જાેવાની આટલી તાલાવેલી લાગી, અને પછી તેણે બુરખો ઉતારી દીધો હતો. આશ્ચર્યજનક રીતે, તેની પાછળના લોકો ગધેડાની જેમ હસતા હતા. વીડિયો જાેઈને, મને લાગ્યું કે તેને કાન નીચે થપ્પડ મારી દઉં. હું તેનાથી એટલી ગુસ્સે થઈ ગઈ હતી, સામાન્ય વાત એ છે કે, કોઈને પણ ગુસ્સો આવી જશે.”
રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને માફી માંગવા કહ્યું છે. વીડિયોમાં તેણીએ કહ્યું કે, “નીતીશ જી, તમને ખબર હોવી જાેઈએ કે, મુસ્લિમ મહિલાઓ ઇસ્લામમાં હિજાબ પહેરે છે, પરંતુ તમે તે ઉતારી નાખ્યો. જાે હું બધાની સામે તમારી ધોતી ઉતારીશ તો તમને કેવું લાગશે?”
આ ઘટના ૧,૦૦૦ થી વધુ આયુષ ડોકટરોને નિમણૂક પત્ર વિતરણ સમારોહ દરમિયાન બની હતી. એક મુસ્લિમ મહિલા, ડૉ. નુસરત પરવીન, હિજાબ પહેરીને સ્ટેજ પર દેખાઈ હતી. સમારંભનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નીતિશ કુમાર ડૉક્ટરનો હિજાબ ખેંચી રહ્યા છે, જેનાથી તેણી તે ગભરાઈ ગઈ હતી. આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે.




