હિમાચલ પ્રદેશ ભાજપની સ્પષ્ટતા કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ તેમનો અંગત અભિપ્રાય સોનિયા ગાંધી અંગે કંગના રનૌતની ટિપ્પણીથી ભાજપે હાથ ખંખેર્યા : શિમલામાં સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરીને વિવાદમાં સપડાયેલાં ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતના મામલે હવે ભાજપે સ્પષ્ટતા કરી છે. હિમાચલ પ્રદેશ ભાજપે કંગનાની ટિપ્પણીથી અંતર જાળવતાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી તેમની પોસ્ટ અને તેમાં રજૂ કરાયેલા વિચારો તેમનો અંગત અભિપ્રાય છે. તેને ભાજપનું સત્તાવાર નિવેદન ગણાવી શકાય નહીં અને પક્ષ આ પ્રકારની ટિપ્પણીઓનું સમર્થન કરતું નથી. હિમાચલ પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય શર્માએ શનિવારે આ અંગે સ્પષ્ટતા કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કંગના રનૌત ભાજપનાં સાંસદ હોવા છતાં સોશિયલ મીડિયા પર તેઓ જે કંઈ લખે છે અથવા કહે છે તે તેમનો વ્યક્તિગત મત છે. પક્ષ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ દ્વારા ઓનલાઇન કરવામાં આવેલી દરેક ટિપ્પણીને ભાજપનું સત્તાવાર નિવેદન માની શકાય નહીં.મંડી લોકસભા બેઠકનાં સાંસદ કંગના રનૌતે ૧૦ નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધી અંગે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે એનવિડીયામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરીને સોનિયા ગાંધી અંગે વિવાદાસ્પદ આક્ષેપો કર્યા હતા. તેમણે સોનિયા ગાંધીને રહસ્યમય વિદેશી નાગરિક ગણાવતાં ગાંધી પરિવારના કેટલાક સભ્યોનાં મૃત્યુ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
કંગનાની આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ તરફથી પણ આ ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.કંગના રનૌતની સોશિયલ મીડિયા પોસ્ટ સામે શિમલાના રહેવાસી અતુલ શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ૧૦ નવેમ્બરે કરવામાં આવેલી પોસ્ટના સંદર્ભમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગાંધી પરિવાર અને સોનિયા ગાંધી અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો અને ઉશ્કેરવાનો પ્રયાસ થયો છે.વિવાદ વધતાં હિમાચલ પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય શર્માએ પક્ષનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે કંગનાની પોસ્ટને પક્ષની સત્તાવાર નીતિ કે નિવેદન સાથે જાેડવી યોગ્ય નથી. આ સ્પષ્ટતા બાદ ભાજપે કંગનાની વ્યક્તિગત સોશિયલ મીડિયા ટિપ્પણીથી પોતાને અલગ રાખ્યું છે. બીજી તરફ, આ મામલે પોલીસ ફરિયાદ બાદ આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.




