સુપ્રીમ કોર્ટનો રેલવેને આદેશ ઓનલાઇનની જેમ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટો પર મળશે ઇન્શ્યોરન્સ રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદાતી ટિકિટો પર પણ ઓનલાઇન ટિકિટ જેવું જ વીમા કવચ આપવાનો આદેશ દેશમાં લાખો ગરીબ અને સામાન્ય વર્ગના મુસાફરો માટે ટ્રેન એ મુસાફરીનું મુખ્ય સાધન છે. જાેકે, અકસ્માત કે દુર્ઘટનાના સમયે મળતા વીમા કવચને લઈને અત્યાર સુધી ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ ખરીદનારાઓ વચ્ચે સ્પષ્ટ ભેદભાવ જાેવા મળતો હતો. એક મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ૨૭ ઑક્ટોબરથી ૨ અઠવાડિયાની અંદર રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદવામાં આવતી ટિકિટો પર પણ વીમા કવચ પૂરું પાડવામાં આવે. આ ઇન્શ્યોરન્સ કવર બિલકુલ તેવું જ હોવું જાેઈએ જેવું હાલમાં ઓનલાઇન ટિકિટ ખરીદવા પર મુસાફરોને મળે છે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સામાન્ય નાગરિકોની સલામતી અને ટ્રેન મુસાફરી દરમિયાન બનતી અપ્રિય ઘટનાઓને રોકવા સંબંધિત એક ગંભીર કેસની સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો.
અદાલતે કહ્યું કે સમાજના સૌથી નીચલા વર્ગના લોકો સુધી આ કવચ પહોંચાડવા માટે કોઈ પદ્ધતિ ઘડવા અદાલતે તંત્રને પૂરતો સમય આપ્યો છે, જેઓ મોટાભાગના કિસ્સાઓમાં ટ્રેન મુસાફરી માટે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી જ ટિકિટ ખરીદે છે. આ પાસા પર કોઈ પ્રગતિ ન થઈ હોવાથી, અમે નિર્દેશ આપીએ છીએ કે બે અઠવાડિયાની અંદર, એટલે કે ૨૭.૧૦.૨૦૨૬થી તમામ રેલવે સ્ટેશનો પર કાઉન્ટર પરથી વેચવામાં આવતી તમામ ટિકિટો પર પણ એ જ રીતે ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવે જેવું ઓનલાઇન ખરીદેલી ટિકિટો પર મળે છે. આ નિર્દેશનું ફરજિયાતપણે પાલન થવું જાેઈએ, અને જાે આમ કરવામાં નિષ્ફળતા મળશે તો તેની સીધી જવાબદારી રેલવે બોર્ડની રહેશે.
૬ ઑક્ટોબરના રોજ કોર્ટે રેલવેના નકારાત્મક વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જાેયું કે અધિકારીઓએ આ અત્યંત ગંભીર વિષયને હળવાશથી લીધો છે અને માત્ર કાગળ પર જ પોકળ આશ્વાસનો આપ્યા છે. કોર્ટે નોંધ્યું કે, રેલવે આ અદાલત સમક્ષ સતત એવું કહેતી રહી છે કે આ બાબતે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જાેકે, એવું જણાય છે કે આ વચનો મોટાભાગે કાગળ સુધી જ સીમિત રહ્યા છે.
અધિકારીઓના આવા બેજવાબદાર વલણને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે રેલવે બોર્ડના ચેરમેન તેમજ તમામ સભ્યોને ૧૬ નવેમ્બરના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે એવી કડક ચેતવણી પણ આપી છે કે જાે રેલવે દ્વારા કોર્ટમાં આપવામાં આવતા વચનો ગંભીર નહીં હોય તો તેના માટે રેલવે બોર્ડને અંગત રીતે જવાબદાર ગણવામાં આવશે.




