રશિયન ઓઈલ ખરીદવું પડશે ભારે? ભારત પર તોળાઈ રહ્યું છે ૫૦૦% ટેરિફનું સૌથી મોટું જાેખમ! અમેરિકા રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરનારા દેશો પર જાેરદાર લગામ કસવાની તૈયારી કરી રહ્યું છે ફેબ્રુઆરીના અંતમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધ છેડાયું અને ત્યારથી લઈને અત્યાર સુધી વાતાવરણ તંગ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતની મુશ્કેલીઓ ફરીથી એકવાર વધી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો પડી ભાગ્યા બાદ હવે ફરી એકવાર યુદ્ધના નગારા વાગ્યા છે. ક્રૂડ ઓઈલ ઉછાળા મારી રહ્યું છે. આ બધા વચ્ચે રશિયાથી ઓઈલની ખરીદી પર અમેરિકાના નવા સેન્શન્સ બિલની ચર્ચાએ ભારત જેવા દેશોની ચિંતા વધારી છે. રશિયાથી ઓઈલ ખરીદનારા દેશો પર અમેરિકાની નવી કડકાઈ વચ્ચે હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારત પર ફરીથી તોતિંગ ટેરિફનું જાેખમ છે? ૫૦૦ ટકા ટેરિફ લાગી શકે છે?
વાત જાણે એમ છે કે અમેરિકાના ચાર દિગ્ગજ સેનેટરોએ ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને રશિયા પર નવા પ્રતિબંધો લગાવનારા નવા બિલને આગળ વધારવા પર સહમતિ બનાવી છે. આ બિલનો હેતુ રશિયા પર આર્થિક દબાણ વધારવાનો છે. જેથી કરીને તેના વોર મશીનને ફંડિંગ મળવાનું બંધ થાય. આ માટે એવા દેશોને ટાર્ગેટ પર રખાયા છે જે હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, યુરેનિયમ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે. આ બિલ ‘Sanctioning Russia Act of 2025’ હેઠળ લાવવામાં આવી રહ્યું છે.
આ બિલને રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રાહમ, અને રોજર વિકર સાથે ડેમોક્રેટિક સાંસદ રિચર્ડ બ્લૂમેન્થલ અને જીન શાહીન આગળ વધારી રહ્યા છે. ચારેય સેનેટરોએ કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન સાથે તેમની સહમતિ બની છે અને બિલનો નવો ડ્રાફ્ટ જલદી રજૂ કરાશે. તેમનું કહેવું છે કે રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે આથી રશિયા પાસેથી ઉર્જા ખરીદીને તેમની કમાણી વધારનારા દેશો પર દબાણ વધારવું જરૂરી છે.
આ બિલનો પહેલો ડ્રાફ્ટ જ ખુબ આકરો હતો. આ બિલના જૂના ડ્રાફ્ટમાં એવો પ્રસ્તાવ હતો કે જે દેશો રશિયા પાસેથી ઓઈલ, ગેસ, યુરેનિયમ અને બીજા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદતા રહેશે તેમના પર અમેરિકા નિકાસ થતી વસ્તુઓ પર ૫૦૦ ટકા સુધી ટેરિફ લગાવવામાં આવી શકે છે. તે સમયે અમેરિકી સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે તેને બોન ક્રશિંગ એટલે કે હાડકાં તોડનારી પેનલ્ટી ગણાવી હતી.
જાે કે અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બિલમાં કેટલાક ફેરફાર કરાયા છે અને ટેરિફના દર પહેલા કરતા ઘણા ઓછા કરાયા છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસને હજુ પણ બિલનો ફાઈનલ ડ્રાફ્ટ બહાર પાડ્યો નથી. આથી હાલ હજુ એ સ્પષ્ટ નથી કે અંતિમ કાયદામાં ટેરિફ કેટલો લાગશે.
જાે કે એક સારી વાત એ છે કે આ પ્રસ્તાવિત બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને એ અધિકાર પણ આપવામાં આવ્યો છે કે જાે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જરૂરી હોય તો તે કોઈ પણ દેશને આ પ્રતિબંધોમાંથી ૧૮૦ દિવસ સુધી છૂટ આપી શકે છે.
ચારેય સેનેટર સેંક્શનિંગ રશિયા એક્ટ ૨૦૨૫ના સૌથી મોટા સપોર્ટર છે. આ બિલનું સમર્થન કરતા અમેરિકી સેનેટરોએ ભારતનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ કાયદાની ચર્ચામાં ભારત અને ચીનનો વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે. જૂન ૨૦૨૫માં સેનેટર લિંડસે ગ્રાહમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક ચેતવણીમાં લખ્યું હતું કે જાે ભારત અને ચીન રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેમણે તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તેમનું કહેવું હતું કે તેનાથી રશિયાને યુદ્ધમાં આર્થિક મદદ મળે છે.





